Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ગાંધીધામમાં બાઇક પાર્ક કરવાના મુદ્દે થયેલ જુથ અથડામણમાં સામસામી ૧૪ જણા સામે ફરીયાદ

સુંદરપુરી વિસ્તારમાં બેકરી પાસે સામાન્ય મુદ્દે બબાલ બોલી'તી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૫:  ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં થયેલ જૂથ અથડામણના બનાવમાં બન્ને પક્ષ ના ૧૪ જણા વિરૂદ્ઘ સામસામી ફરિયાદ નોંધાઇ છે. વિનોદ ભારમલ પતારિયા (મહેશ્વરી) એ લખાવેલ ફરિયાદ અનુસાર પોતે બાળકો માટે શકિતનગર દીપક બેકરીમાં કેક લેવા ગયો હતો ત્યારે સામે પક્ષના આરોપીઓ હીરા ગઢવી, ચેતન ગઢવી અને અન્ય પાંચ શખ્સ પૈકી બે જણાએ પોતાને ઊભો રાખી બેકરી સામે એકિટવા આડુ મૂકવા બાબતે બબાલ કરી કેમ શું જોતો હતો એવું કહી બોલાચાલી કરી હતી.

ત્યારબાદ પોતે પોતાની દુકાને ચાલ્યો ગયો હતો. ત્યારે ત્યાં આ આરોપીઓ વાહનો સાથે આવ્યા હતા અને ધોકા પાઇપ વડે હુમલો કર્યો હતો. એટલે વિનોદે બૂમાબૂમ કરતા તેનો ભાઈ વિજય દોડી આવતાં તેને પણ માર માર્યો હતો. આ ફરિયાદમાં જાતિ અપમાનિત કરવાની કલમ તળે ગુનો નોંધાવ્યો છે. સામા પક્ષે ચેતન મનુભા ગઢવી એ વિનોદ નો ફોન પોતાના ભાઈ હિરેન ને આવ્યો હતો જેમાં તેણે સિંહ હોય તો હાલ્યો આવ એવું કહ્યું હતું. બાદમાં પોતે પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં પટેલ હોસ્પિટલ પાસે વિનોદે લાકડીનો ઘા કર્યો હતો. જેથી તે નીચે પડી જતાં પોતાને બચાવવા પોતાનો ભાઈ હિરેન આવતાં અન્ય લોકો બન્ને પાછળ દોડ્યા હતા. તે દરમ્યાન ડસ્ટર કારના ચાલકે તેની કાર ફરિયાદી ચેતન ગઢવી ઉપર ચડાવી હતી. બાદમાં અન્ય આરોપીઓએ પોતાને અને કનું ભરવાડને માર માર્યો હતો. આ બનાવમાં ચાર જણા ઘાયલ થયા હોઈ તેઓ સારવાર હેઠળ છે. પોલીસે બન્ને પક્ષ ની ફરિયાદ નોધી આગળ તપાસ હાથ ધરી છે.

(11:30 am IST)