Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

વેરાવળના ધામળેજના દરિયામાં નાની પીલાણી બોટના ૪ ખલાસી ડૂબ્યાઃ બેનો બચાવઃ એકની લાશ મળીઃ એક હજુ લાપતા

રાત્રિના અંધારામાં મોટી ટ્રોલીંગ બોટ ઉપરથી પસાર થઇ જતા સર્જાયેલ દુર્ઘટના

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૫: નજીકના ધામળેજ ગામના દરીયામાં નાની પીલાણી બોટ માછીમારી કરી રહેલ ત્યારે મોટી ટ્રોલીગ બોટ અંધારામાં તેની ઉપરથી પસાર થઈ જતા નાની બોટના ચાર ખલાસી ઉંંડા પાણીમાં ગરક થઈ ગયેલ હતા તેમાં એક ખલાસીઓનો મૃતદેહ મળી આવેલ હતો અને ૭ર કલાકથીબીજા ખલાસીની શોધખોળ ચાલુ છે.

ધામળેજ બંદરેથી મંગળવારે નાની પીલાણી બોટ માછીમારી માટે નિકળેલ હતી તે દરીયાકાંઠે થી ૯ નોટીકલ માઈલ દૂર પહોંચેલ હતી ત્યારે બુધવારે રાત્રે અંધારામાં મોટી ટ્રોલીગ બોટ અચાનક આવી ચડેલ હતી અને નાની બોટ ઉપરથી પસાર થઈને નિકળી ગયેલ હતી જેથી તેમાં ચાર ખલાસીઓ દરીયામાં ડુબી ગયેલ હોય તેમાંથી બે ખલાસીઓ મુકેશ સોલંકી, દેવચંદ ચૌહાણને બીજી નાની બોટે બચાવી લીધેલ હતા જયારે જીતેન્દ્ર ચૌહાણનો મૃતદેહ હાથ લાગેલ હતો.  બીજો ખલાસી કાના સોલંકીનો ૭ર કલાક બાદ પણ કયાંય પતો નથી.

ધામળેજ ખારવા સમાજના પટેલ બાબુભાઈ એ જણાવેલ હતું કે અનેક વખત મોટી ટ્રોલીગ બોટ નાની બોટોને અકસ્માતો કરીને નાશી જાય છે રાત્રે અંધારામાં ખબર પડતી નથી જેથી ફીશરીઝ વિભાગે તપાસ હાથ ધરી કડક કામગીરી હાથ ધરવી જોઈએ.

પ્રભાસપાટણ બાયપાસ પાસે વિદેશી દારૂ ઝડપાયો

પ્રભાસપાટણ પોલીસ બાયપાસ ચોકડી પાસે વાહનોની ચેકીગ કરી રહેલ ત્યારે પુરપાટ ઝડપે રીક્ષા આવી રહેલ હતી તેની તલાસી લેતા તેમાં વિદેશી દારૂ બોટલ નંગ ર૭ રૂ.૧૦,૮૦૦ની મળી આવેલ પોલીસે રીક્ષા ચાલક સલમાન ઉર્ફે મેમણ નજીરભાઈ ભાદરકાની અટકાયત કરી રૂ.૮૦,૮૦૦ ના મુદામાલ કબજે કરેલ હતો.

જુગાર રમાડતો ઝડપાયો

સોમનાથ ટોકીઝ ચાર રસ્તા પાસે જાહેર માં વરલી મટકાનો જુગાર રમાડતો હોય તેવી બાતમીના આધારે પોલીસે તપાસ કરતા હારૂન રહેમાન ભેંસલીયાને રોકડા રૂ.૬૦૦૦ તેમજ વરલી મટકાની ચીઠી ઓ સાથે અટકાયત કરેલ હતી.

(1:32 pm IST)