Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

અમરેલીનાં યુવકનું મહારાષ્ટ્ર પાસિંગની કારમાં પ રાજસ્થાની શખ્સો ઉઠાવી ગયા

તને લઇ જઇને મારી નાંખવો છે તેમ કહીને બહેન સાથે વાત કરનારને લઇને નાસી છૂટયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. રપ :.. અમરેલીમાં રહેતા અને વાંકીયાની ગેસ એજન્સીમાં કામ કરતા યુવાનને મહારાષ્ટ્ર પાર્સીંગની કારમાં પાંચ રાજસ્થાની શખ્સો તે ફોનમાં અપહરણકર્તાની બહેન સાથે વાત કરતો હોવાથી ફિલ્મી ઢબે ઉઠાવી જતા ખળભળાટ મચી ગયો છે અને પોલીસ તંત્ર દ્વારા જિલ્લાભરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે તથા હાઇવે ઉપર દરેક વાહનોની ચકાસણી થઇ રહી છે.

અમરેલીના કેરીયા રોડ પર રહેતા નૈનારામ પુનારામ બિસ્નોઇ અને તેની સાથે ના રાજસ્થાનના ચાર યુવાનો વાંકીયા ખાતે ગેસ એજન્સીમાં કામ કરે છે જેમાના નૈનારામ અને કમલેશ રામ પ્રતાપ વડીયાના ઢોલરવા અને બરવાળા બાવીસી ખાતે કામે ગયા હતા જયાંથી બાઇક ઉપર પરત આવતા હતા ત્યારે મહારાષ્ટ્ર પાર્સીંગની સેવરેલોટ એવીયો કારમાં આવેલા વિકાસ મોહનરામ બિસ્નોઇ, અશોક ઉર્ફે રમણ ઓમપ્રકાશ બિસ્નોઇ, પ્રકાશ બિસ્નોઇ, અશોક અન સુભાષ બિસ્નોઇ નામના પાંચ શખ્સોએ આ બંનેને કારમાં બેસાડી બાબાપુરના પાટીયે લઇ ગયા હતા અને તેની સાથે કામ કરતા સુનીલ માંગીલાલ બિસ્નોઇને અમારૂ બાઇક બંધ પડયુ છે તેમ  કહી નૈનારામ પાસે ફોન કરાવ્યો હતો જેથી સુનિલ તેના મિત્ર સાથે બાઇક લઇ બાબાપુરના પાટીયે આવતા પાંચેય શખ્સો તેને મારી નાખવાના ઇરાદે કારમાં ઉઠાવી ગયા હતાં. નૈનારામે આ ઘટના અંગે પોલીસને જાણ કરતા લોકલ ક્રાઇમ બ્રાન્ચના શ્રી કરમટા, શ્રી પૃથ્વીપાલસિંહ મોરી, એસઓજીના શ્રી મહેશ મોરી, અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી પ્રશાંત લકકડ તથા વડીયાના શ્રી અર્જુન સાંબડ સહિતની પોલીસ દ્વારા જિલ્લાભરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે.

આ અપહરણ પાછળનું  કારણ એવુ બહાર આવ્યુ છે કે અમરેલીમાં રહેતો અપહરણ કરી જવાયેલ સુનિલ માંગીલાલ રાજસ્થાનના વિકાસ મોહનરામ બિસ્નોઇની બહેન સાથે ફોનમાં વાત કરતો હોય તેના કારણે તેને રાજસ્થાનથી આવી પાંચ શખ્સો ઉઠાવી ગયા હતા અને તેમણે નૈનારામને અમારે તેને લઇ જઇને મારી નાખવો છે તેવુ પણ કહયુ હોવાનું બહાર આવ્યું છે.

(1:35 pm IST)