Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

રિન્યુએબલ એનર્જીના અભ્યાસ માટે બેલ્જિયમ કોનસ્યુલેટનું પ્રતિનિધિ મંડળ કચ્છ જિલ્લાના પ્રવાસે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૫ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ડિસેમ્બર-૨૦૨૦ માં શિલાન્યાસ કરવામાં આવેલ એવા વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક અને રિન્યુએબલ એનર્જી સેકટરમાં વિશેષ રીતે વિન્ડ એનર્જી સેકટરમાં દ્વિપક્ષીય વેપારની સંભાવનાઓ અને ગ્રીન હાઈડ્રોજન વિશે ચર્ચા કરવા માટે બેલ્જિયમની મુંબઈ ખાતે આવેલી કોન્સ્યુલેટ જનરલ ઓફિસના ફુ. તનુજા પવાર, સિનિયર ટ્રેડ એડવાયઝર અને કુ. હીના રાઠોડ, ટ્રેડ ઓફિસર, ફોકિઆના એમડી નિમિષ ફડકેને મળવા માટે તાજેતરમાં ભુજ-કચ્છ ખાતે આવેલ હતા. અત્રે એ નોંધવું જરૂરી છે કે વિન્ડ પાવર ટેકનોલોજી ક્ષેત્રમાં બેલ્જિયમ સમગ્ર દુનિયાભરમાં અગ્રેસર છે.

આ મીટીંગ દરમિયાન કચ્છમાં આવેલ વિવિધ સેગ્મેન્ટના ઉદ્યોગો અંગે ફોકિઆ દ્વાર પ્રેઝન્ટેશન આપવામાં આવેલ હતું. વધુમાં નવા સ્થપાનારા દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કમાં ૩૦,૦૦૦ મેગા વોલ્ટ ઇન્સ્ટોલ કેપેસિટીથી ઊભી થનારી તકો તથા પાવર ઇવેકયુએશન અને સ્માર્ટ ગ્રીડ મેનેજમેન્ટ અંગેની સમજ આપી હતી. આ ઉપરાંત અદાણી ગ્રીન એનર્જીના જેઈન્ટ પ્રેસિડેન્ટ અભિલાષ મહેતાએ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી અદાણીના હાલના ગુજરાતમાં ચાલતા રિન્યુએબલ એનર્જી પ્રોજેકટ વિશે તેમજ કચ્છ ખાતે આકાર લઇ રહેલા રિન્યુએબલ એનર્જી પાર્કમાં તેમના દ્વારા ઉભા થનારા ૧૪,૫૦૦ મેગા વોલ્ટ રિન્યુએબલ એનર્જી પ્રોજેકટ અંગે પ્રતિનિધિ મંડળને માહિતગાર કરેલ હતા. બેલ્જિયમના પ્રતિનિધિઓ સપ્ટેમ્બર-૨૦૨૨માં તેમના દ્વારા રિન્યુએબલ એનર્જી સેકટરમાં તેમના દેશના ઉદ્યોગોનું પ્રતિનિધિ મંડળ અહીં આવવાનું હોળ તેની પૂર્વ તૈયારી રૂપે તેવો અહીં આવેલ તેવું જણાવેલ હતું.

આ ઉપરાંત ફોકિઆના એમડી નિમિષ ફડકેને વર્લ્ડ ટ્રેડ સેન્ટર ગ્રેટર ફિલાડેલ્ફિયા દ્વારા તેમના સભ્યો – રોકાણકારો સમક્ષ પ્રેઝન્ટેશન આપવાને માટે આમંત્રિત કર્યા હતા. આ વેબિનારમાં ફોકીઆ દ્વારા સમગ્ર વિશ્વમાં ફોરેઇન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટમાં ભારત અને ગુજરાત અગ્રેસર હોવાનું વિવિધ આંકડાકીય વિગતો દ્વારા જણાવવામાં આવ્યું હતું. વધુમાં પ્રાયવેટ પોર્ટ પોલિસી હેઠળ મુન્દ્રામાં વિકાસ પામેલ સૌથી મોટા પ્રાયવેટ ક્ષેત્રના એવા અદાણી પોર્ટ અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ આ બંદર ને આધારિત ઉદભવેલી ઔદ્યોગિક વિકાસની તકો વિશે વિસ્તાર પૂર્વક સમજાવવામાં આવ્યું હતું. કચ્છમાં રેલ, એરપોર્ટ અને મલ્ટિમોડેલ લોજિસ્ટિક પાર્કમાં ખાનગી રોકાણકારો માટે કચ્છમાં ઉપલબ્ધ તકોથી ફિલાડેલ્ફિયાના ઉદ્યોગકારોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ગુજરાત અને કચ્છનું બિઝનેસ ફ્રેન્ડલી ઈન્ફ્રાસ્ટ્રકચર અને સતત વિકાસ ભારત બહારના મૂડી રોકાણને કેવી રીતે લાભ આપી શકે તેના પર ઊંડાણ પૂર્વકનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. તેમજ જિલ્લામાં નજીકના ભવિષ્યમાં આકાર પામનારા રેલ, હાઈવે, ડિસેલિનેશન પ્લાન્ટ તેમજ સૌર અને પવન ઉર્જા પ્લાન્ટ સહિત નવા પ્રોજેકટ વિશેની માહિતી આપવામાં આવેલ હતી.

વધુમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર, હેરિસબર્ગ દ્વારા આગામી મહિને યોજાનાર વેબિનારમાં પશ્ચિમ ભારતમાં વ્યવસાયની તકોઃ કચ્છ પ્રદેશ અને ગુજરાત રાજયના વિષય પર પ્રેઝન્ટેશન આપવા માટે ફોકિઆના એમડી નિમિષ ફડકેને આમંત્રિત કરવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે ઉદ્યોગ ક્ષેત્રો જેવાકે, લોજિસ્ટિકસ, લાકડાના ઉત્પાદનો, ઉર્જા તેમજ કૃષિ વ્યવસાયને સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, ૧૦ જાન્યુઆરી ૨૦૨૨ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૨ વચ્ચે યોજાનાર ૧૦માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ઉપલક્ષમાં જાતા ફોરેઇન ઇન્વેસ્ટમેન્ટને આકર્ષવાના ભાગરૂપે આ એક સીમાચિહ્રન રૂપ બાબત કહી શકાય.

(10:50 am IST)