Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

સાવરકુંડલા બ્રહ્મ સમાજના વિષ્ણુભાઈ ભરાડ એટલે ઈનોવેટિવ ઓટો ઈજનેર

સૌને અનુકૂળ માલપરિવહન વાહનનું નિર્માણ કર્યું

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા.૨૫ :  સાવરકુંડલા શહેરનાં બ્રહ્મ સમાજના વિષ્ણુભાઈ ભરાડ એટલે ઈનોવેટિવ ઓટો એન્જિનિયર. છેલ્લાં બે વર્ષની મહેનતના અંતે જાતે બોલ્ટ નટ ફીટ કરી એક સનેડો તૈયાર કર્યો. આમ જોવા જઈએ તો આ બળદ વગરનું મિની ગાડું જ કહેવાય. ૪૦ની એવરેજ આપતાં આ સનેડો વાહન હવે સાવરકુંડલાની શાન બનશે. પેટ્રોલ અને ડીઝલનાં ભડકે બળતાં ભાવમાં માલપરિવહન તથા કૃષિ સંબંધિત જણસનું પરિવહન કરવા માટે એકદમ સુગમ, સરળ અને સસ્તું પરિવહન સાધન પોતાની સમજ સૂઝબૂઝ અને બુધ્ધિશકિતથી હમેશાં કંઈક નવું કરવા માટે અહર્નિશ તૈયાર એવાં વિષ્ણુભાઈ સ્વભાવે પણ મિલનસાર છે. આ પહેલાં પણ તેમણે મોબાઇલ શેરડીનો સિંચોડો બનાવી પોતાની બુધ્ધિશકિતની કમાલ દેખાડી હતી. આમ એક વાત તો સ્પષ્ટ છે કે હૈયાઉકલત હોય અને કોઠાસૂઝ હોય તો શિક્ષિત માણસોને પણ પાછળ રાખી દે એવાં નવયુવાનોની ભારતમાં ખોટ નથી. જરૂર છે એને ખોળી કાઢી સરકારશ્રીએ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાની.. આમ તો ઘણી વખત સમાજમાં ઢબુરાયેલી કલા કૌશલ્ય અને કસબને જો પૂરતું સરકારી સમર્થન મળે તો ભારત દેશને વિશ્ચગુરુ બનતાં કોઈ ન રોકી શકે. ખાસ કરીને આજની બ્યૂરોક્રસીએ માત્ર એ.સી.ઓફિસમાં બેસવાને બદલે આવાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા લોકોને ખોળી કાઢી તેને યોગ્ય ચેનલ મારફત હૂંફ અને સમર્થન મળે તો કોઈની સાડી બાર નથી કે ભારત સામે ઊંચી આંખ કરીને જોઈ શકે.

(12:33 pm IST)