Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

ધંધુસર પાસે ભૂસાના બાચકા ભરેલ બોલેરોમાંથી સાડા છ લાખનો દારૂ મળ્યોઃ ૧૬૪૪ બોટલો કબ્જે કરાઈ

જૂનાગઢ, તા. ૨૫ :. વંથલી તાબેના ધંધુસર ગામે જૂનાગઢ ગાંધીગ્રામમાં રહેતો જીજ્ઞેશ ઉર્ફે જગુ ઉર્ફે જગદીશ પબા રબારી રહે. ગાંધીગ્રામ તથા જૂનાગઢ સંજયનગરમાં ગેબનશાપીરની દરગાહ પાસે રહેતા અમીન અલ્લારખા સેતા, સોહીલ યાસીન સેતા પોતાના સાગ્રિતો સાથે મળીને પૂર્વ આયોજીત કાવત્રુ કરી મોટો આર્થિક નફો મેળવવા માટે વિદેશી દારૂનો જથ્થો મંગાવી ધંધુસર ગામની મઠવાળા ધણસેરની જમીનમાં આ દારૂના જથ્થાનું કટીંગ કરાવેલ છે અને પોતાના સાગ્રિતો સાથે મળીને આ કટીંગ કરેલ દારૂનો જથ્થો સગેવગે કરવાની તૈૈયારીમાં છે. જે હકીકત આધારે સદરહું બાતમીવાળી જગ્યા ધંધુસર ગામના મઠવાળા ધણસેરમાં જતા કાચા રસ્તા ઉપર આવી ધણસેરમાં તપાસ કરતા આશરે ૧૦૦ મીટર દૂર અંધારામાં એક વાહન પડેલ જોવામાં આવતા જે વાહનમાં કોઈ ઈસમ હાજર ન હોય જેથી બોલેરો પીકઅપ રજી. નં. જીજે ૦૩ બીડબલ્યુ ૪૫૪૨ના ઠાઠાના ભાગે ભુસાના બાચકા ખેસવી જોતા વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની પુંઠાની પેટીઓ પડેલ જોવામાં આવતા તમામ મુદ્દામાલ કબ્જે કરી તપાસતા તેમાંથી ઓલ સિઝન ગોલ્ડન કલેકશન રિઝર્વ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. પેટી નંગ ૪૯ બોટલ નંગ ૫૮૮ કિં. રૂ. ૨,૩૫,૨૦૦. રોયલ ચાર્મ મેટ્રો લીકર્સ સ્ટ્રોંગ લીકર્સ ફોર સેલ ઈન હરીયાણા ઓન્લી બનાવટની ૭૫૦ એમ.એલ. પેટી નંગ-૨૫ બોટલ નંગ ૩૦૦ કિં. રૂ. ૧,૨૦,૦૦૦. મેકડોવેલ્સ નં. ૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીઝનલ ૭૫૦ એમ.એલ.ની પેટી નંગ ૬૩ બોટલ નંગ ૭૫૬ કિં. રૂ. ૩,૦૨,૪૦૦ મળી આવેલ જેથી બોલેરો પીકઅપ ગાડી કિં. રૂ. ૫,૦૦,૦૦૦ મળી કુલ કિં. રૂ. ૧૧,૫૭,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચા. પો. ઈન્સ. એચ.આઈ. ભાટી તથા પો.સ.ઈ. ડી.જી. બડવા તથા પો.સ.ઈ. એ.ડી.વાળા તથા એએસઆઈ વિ.એન. બડવા તથા પો. હેડ કોન્સ. વિક્રમભાઈ ચાવડા તથા પો. કોન્સ. સાહિલ સમા, ડાયાભાઈ કરમટા, કરશનભાઈ કરમટા વિગેરે પોલીસ સ્ટાફે સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:02 pm IST)