Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

જામનગર કોલેજ રેગિંગ મામલે 15 વિદ્યાર્થી દોષિત : હોસ્ટેલમાંથી 6 વિદ્યાર્થીઓની હકાલપટ્ટી:એક વર્ષ સુધી નહીં આપી શકે પરીક્ષા

કોલેજ દ્વારા જે કોઈ કાર્યક્રમ યોજવામાં આવે અથવા સ્થાનિક સ્પર્ધાત્મક કે નેશનલ લેવલની કોઈ કોન્ફરન્સમાં ભાગ લેવા પર પ્રતિબંધ

જામનગરની ફિઝિયોથેરાપી કોલેજમાં રેગિંગની ઘટનાની ફરિયાદ બાદ આકરા પગલા લેવાયા છે. રેગિંગની ફરીયાદ બાદ તપાસમાં 15 વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાયાનો ખુલાસો થયો હતો. આ અંગેની તપાસ બાદ 6 વિદ્યાર્થીઓને કાયમી ધોરણે કોલેજમાંથી હાંકી કઢાયા છે. જ્યારે કે અન્ય રેગિંગ કરનાર વિદ્યાર્થીઓને 1 વર્ષ માટે કોલેજમાંથી હાંકી કઢાયા છે.

કોલેજની સમિતી દ્વારા રેગિંગ કરનાર વિદ્યાર્થીઓના વાલીઓ સાથે કાઉન્સેલિંગ કરવામાં આવું હતુ.

કોલેજમાં આરોપ પ્રમાણે સિનિયર દ્વારા 35થી વધુ જુનિયરના રેગિંગ થયાનું કહેવાઈ રહ્યું છે. રેગીંગ દરમિયાન એક વિદ્યાર્થીને કલાકો સુધી ઉભો રાખતા ચક્કર આવી પડી ગયો હોવાની પણ સુત્રોમાંથી માહિતી મળી રહી છે.

સરકારી ફીજીઓથેરાપી કોલેજમાં સોમવારે સાંજે બીજા વર્ષના 28 વિદ્યાર્થીઓએ લેખિતમાં રેગિંગની ફરિયાદ આપી હતી. જેને લઈને પ્રિન્સીપાલ દ્વારા આ ફરિયાદ એન્ટી રેગિંગ કમીટીને સોંપી દેવામાં આવી હતી. જેને લઈ 3 સભ્યોની એન્ટી રેગિંગ કમિટીએ ભોગ બનેલા અને આક્ષેપિત વિદ્યાર્થીઓ મળી કુલ 45 વિદ્યાર્થીઓના નિવેદનો નોંધ્યા હતા. તપાસ કમિટીએ બે દિવસ સુધી તપાસ ચલાવી ગઈ કાલે સાંજે રીપોર્ટ તૈયાર કર્યો હતો. તપાસ સમિતિના રીપોર્ટની ભલામણ મુજબ આજે કોલેજના પ્રિન્સીપાલ સોરાણીએ સજાની જાહેરાત કરી હતી.

 

સરકારી કોલેજના પ્રિન્સિપાલે 6 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાયમી ધોરણે હાંકી કાઢ્યા છે. જયારે 6 વિદ્યાર્થીઓને એક વર્ષ સુધી પરીક્ષામાં બેસવા પર મનાઇ ફરમાવવામાં આવી છે. 14 વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા જે કોઈ કાર્યક્રમ યોજવામાં આવે અથવા સ્થાનિક સ્પર્ધાત્મક કે નેશનલ લેવલની કોઈ કોન્ફરન્સમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જયારે વિદ્યાર્થીઓની વર્તણુક બાબતે તપાસ સમિતિને સંતોષ ન થાય ત્યાં સુધી તમામ 15 વિદ્યાર્થીઓના પરિણામ સ્થગિત રાખવામાં આવશે.

 

હોસ્ટેલમાં જૂનિયર અને સીનિયર વચ્ચે ભેદ ઉભો કરવામાં આવતો હતો. સીનિયર વિદ્યાર્થીઓ દ્વારા જૂનિયર પર અવારનવાર દબાણ ઉભું કરાતું હતું. સીનિયર વિદ્યાર્થીમાં જે 6 વિદ્યાર્થીઓને વધુ સજા કરવામાં આવી તે વિદ્યાર્થીઓએ આગેવાની લઈ અન્ય વિદ્યાર્થીઓને પોતાની સાથે જોડ્યા હતા. જેને લઈને આ 6 વિદ્યાર્થીઓને એક વર્ષ પરીક્ષા આપવા નહી દેવાનો નિર્ણય લેવાયો છે. ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થીઓએ રેગિંગની આગેવાની ન લે તે માટે તેની પર અન્ય કરતા સખ્ત પગલા ભરવામાં આવ્યા છે એમ સરકારી ફિઝીયોથેરાપી કોલેજના પ્રિન્સીપાલ દિનેશ સોરાણીએ જણાવ્યું છે. જોકે, આ મામલે ફોજદારી ફરિયાદ દાખલ કરવા અંગે કોલેજ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એ આશ્ચર્યની વાત છે.

રેગિંગની ઘટના બાદ કેટલાક વિધાર્થીઓ કોલેજ છોડીને જતા રહ્યા હોવાની વાતે પણ ચકચાર જાગી છે. એન્ટી રેગિંગ કમિટીનાં અહેવાલમાં રેગિંગ થયાનો અહેવાલ આવશે તો સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. તેમ સરકારી ફિઝિયોથેરાપી કોલેજનાં પ્રિન્સીપાલનું કહેવું છે.

(12:39 am IST)