Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ગોંડલ ''કરોડાધિપતી'' દેવાભાઈની ધોમધખતા તાપમાં અનન્ય જનસેવા

દેવાભાઇ ગામથી ૪ કિલોમીટર દૂર કૂવામાંથી પાણી ભરવા માટે સાયકલમાં જાય અને પાણીની ૫૦ થેલી લઇ સવારથી નીકળી પડે છે.

 (જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૬ : દેવાભાઈ ગઢવી ની સંઘર્ષરૃપી તરસ ભોળાનાથે છીપાવી અને હવે એ લોકોને પાણી પીવડાવીને ભોળાનાથનું ઋણ ચૂકવી રહ્યાં છે.

  ગોંડલમાં ધોમધખતા તાપની વચ્ચે લોકોની તરસ છિપાવતા દેવાભાઇ ગીગાભાઇ માહોલીયાની,  દેવાભાઇ છેલ્લા ત્રણ વર્ષથી પોતાની સાયકલ રથમાં ૫૦ જેટલી મશક (પાણીની થેલી) રાખે છે અને  શહેરના રાહદારીઓ અને -વાસીઓને ઠંડુ પાણી પીવડાવે છે.  પોતે સુખી સંપન્ન છે, જમીન અને મિલ્કત મળીને તેની પાસે કરોડો રૃપિયાની જમીન છે તેમના કહેવા પ્રમાણે ભગવાને તેમના જીવનની બધી જ જરૃરિયાત પૂરી કરી છે અને હવે તેવો જનસેવા કરીને પોતાનું જીવન વીતાવવા ઇચ્છી રહ્યા છે.

 દેવાભાઇએ પોતાની પાણીની સેવા માટેનો જીવન મંત્ર પણ છે 'ઠંડુ, કડક અને મીઠું તમે પાણી પીવો મફત'. બસ આ જ સૂત્ર સાથે સવારે ૭ વાગ્યાથી તેઓ પોતાના ઘરેથી નીકળી પડે છે. પોતાની સાયકલ રથમાં પાણીની બોટલો લઇને અને સાંજના સાત વાગ્યા સુધી ૨૦૦૦ લીટર પાણી ૧૦૦૦ જેટલા રાહદારીઓને પાણી આપે છે. એટલું જ નહીં  શહેરમાંથી પસાર થતી બસોના મુસાફરોને પણ દેવાભાઇ પાણી પીવડાવે છે, તેમની બોટલો પણ ભરી આપે છે. આ તમામ સેવા વિનામૂલ્યે કરે છે.

 દેવાભાઇ ગામથી ૪ કિલોમીટર દૂર કૂવામાંથી પાણી ભરવા માટે સાયકલમાં જાય છે. સાયકલ પર પાણીની ૫૦ થેલી લઇ સવારથી નીકળી પડે છે. દિવસમાં ત્રણથી ચાર વખત જઇને ૨૫ કિલોમીટર જેટલુ અંતર સાયકલ પર કાંપે છે. આ રીતે પાણી ભરીને લોકોની તરસ છીપાવે છે. આ સેવાની પૂરા  શહેરમાં સરાહના થઇ રહી છે, લોકો પણ હવે દેવાભાઇનેૅ પાણીવાળા દેવાભાઇૅ તરીકે ઓળખવા લાગ્યા છે. આમ તો આપણે અનેક વખત સાંભળ્યુ છે કે લોકો પાણીના પરબ બંધાવે છે પરંતુ દેવાભાઇએ હરતુ ફરતુ પાણીનું પરબ બનાવીને એક ઉત્તમ ઉદાહરણ પુરૃ પાડ્યુ છે.

 છેલ્લા ૨૫ વર્ષથી ચૈત્રી નવરાત્રીમાં પણ દેવાભાઇ રામજી મંદિર ખાતે છાશનું  પણ વિનામૂલ્યે વિતરણ કરે છે, નવ દિવસ સુધી ગામમાંથી દૂધ એકત્ર કરીને પોતાની જાતે છાશ બનાવે છે અને લોકોને છાશ પીરસે છે.

(1:08 pm IST)