Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

કેશોદ સ્મશાનમાં સ્વર્ગારોહણ ભઠ્ઠીનું નિર્માણ કરતા પર્યાવરણવિદ અર્જુનભાઈ પાઘડાર

સ્વર્ગારોહણ ભઠ્ઠીમાં મૃતદેહના અગ્નિદાહમાં ઓછા લાકડાનો ઉપયોગ અને પર્યાવરણને પણ ઓછામાં ઓછુ નુકશાન થાય તેવું આયોજન

 (કિશોરભાઈ દેવાણી  દ્વારા) કેશોદ,તા.૨૬ : કેશોદના સેવાભાવી અને પર્યાવરણવિદ અર્જુનભાઈ પાઘડાર દ્વારા સ્મશાનમાં અગ્નિદાહ માટે એક અનોખી ભઠ્ઠીનું નિર્માણ કરવામાં આવ્યુછે.

 કેશોદમાં અર્જુનભાઈ પાઘડાર પર્યાવરણ ક્ષેત્રે  વિવિધ પ્રકારની પર્યાવરણને લગતી સેવાઓ માટે ખૂબજ જાણીતા છે. તેઓ ચકલીના માળા હોય પક્ષીઓ માટેના પાણીના કુંડા હોય કે પછી પર્યાવરણને લગતી કોઈપણ બાબત હોય જેમાં તેઓ સમાજને કાંઈક નવુ નવુ આપી રહ્યા છે. તેમની સર્જનાત્મક શકિતને લઈને તેઓએ પર્યાવરણ ક્ષેત્રની કામગિરીને લઈને  રાષ્ટ્રપતિ એવોર્ડ પણ પ્રાપ્ત કરેલો છે.

      કેશોદ શહેરનાં શ્રેષ્ઠીઓ અને ઘણી બધી એનજીઓ તથા નગરજનો દ્વારા કેશોદના સ્મશાનની અંદર એક નવાજ પ્રકારની  સ્વર્ગારોહણ ભઠ્ઠીનું નિર્માણ કરવા માટે મોટાપાયે દાન આપવામાં આવેલુ હતુ. આ દાનમાંથી અર્જુનભાઈ દ્વારા ઓછા લાકડા અને ઓછા ખર્ચે મૃતદેહને બાળી શકાય અને પર્યાવરણને પણ કોઇ નુકશાન ન થાય તેવુ આયોજન કરવામાં આવેલ આ ભઠ્ઠી ઘણા સમયથી રીનોવેશન માગતી હતી જેને લઈને આજરોજ અર્જુનભાઈ અને દિનેશભાઈ કાનાબાર ની દેખરેખ નીચે એક નવા જ પ્રકારની સ્વર્ગરોહણ ભઠ્ઠીનું નિર્માણ કરવામાં આવેલું છે આ ભઠ્ઠી માટે નગરજનો પાસે રીનોવેશન માટે કોઈ જાતનું દાન લેવામાં આવેલું નથી અને ફરીથી લોકોને અગવડતા ન પડે અને નગરજનો પોતાના ગુમાવેલા સ્વજનને શાંતિથી અને વ્યવસ્થિત અગ્નિદાહ આપી શકે એટલા માટે આ ભઠ્ઠીને ફરીથી નવી જ ટેકનીક સાથે નિર્માણ કરવામાં આવેલી છે.આ ભઠ્ઠીની વિશેષતા એ છે  કે આ ભઠ્ઠીથી મૃતદેહ ઓછા લાકડે અને પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતની ડિઝાઇન બનાવવામાં આવેલી છે જે ભઠ્ઠીને કેશોદના નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં મૂકવામાં આવેલી છે.

    આ ભઠ્ઠીનો ઉપયોગ માટે સ્મશાનની અંદર ફરજ બજાવતા  સેવાભાવી કર્મચારીઓ પોતાની સેવાઓ આપે તેવી વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી છે.

(1:09 pm IST)