Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

ઉપલા દાતારના મહંતના મત માટે રજૂઆત મળી નથી : ચૂંટણી અધિકારી ભૂમિ કેશવાલા

જૂનાગઢ તા.૨૬ : ઉપલા દાતારના મહંત માટે મત આપવાની સુવિધા ન હોવાના અને બાણેજમાં એક મતદાર માટે મતદાન મથક ઉભું કરવામાં આવે છે. ત્યારે દાતારના મહંત માટે કેમ નહીં? તેવા મત્તલબના સમાચારો, અહેવાલો વહેતા થયા છે. તે સંદર્ભે ૮૬-જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રી સુશ્રી ભૂમિબેન કેશવાલાએ જણાવ્યું કે,  ઉપલા દાતારના મહંતના મત માટે અત્યાર સુધીમાં કોઇ લેખિત રજૂઆત મળી નથી, જો આ અંગે સમયસર રજૂઆત મળી હોત તો યોગ્ય કાર્યવાહી કરી શકાય હોત. તેમણે વધુમાં કહ્યું કે, મતદાન મથક ઉભું કરવા માટે મુખ્ય નિર્વાચન અધિકારી, ગાંધીનગરની મંજુરી આવશ્યક છે. પરંતુ હવે આગામી લોકસભા, વિધાનસભા સહિતની ચૂંટણી માટે અગાઉથી રજૂઆતો મળશે તો મતદાન માટેની સુવિધા ઉભી કરવા માટે યોગ્ય કાર્યાવાહી હાથ ધરવામાં આવશે.

લોકશાહીના અવસરની ઉજવણી માટે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી રચિત રાજના માર્ગદર્શન હેઠળ એક-એક મત માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત ૮૦ વર્ષથી મોટી ઉંમરના અને દિવ્યાંગોને પણ ઘર બેઠા મતદાન કરવાની સુવિધા કરી આપવામાં આવી છે. તેમજ અશકત લોકોને મતદાન મથક સુધી લાવવા માટે વાહનની પણ સુવિધા રાખવામાં આવી છે.  આમ, લોકશાહીમાં દરેક લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે આવશ્યક છે. આ માટે તંત્ર પુરી પ્રતિબધ્ધતા સાથે કામગીરી કરી રહ્યું છે તેમ ચૂંટણી અધિકારી ભૂમિબેન કેશવાલાએ ઉમેર્યું હતું.

(1:52 pm IST)