Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ટંકારા ચૂંટણીના પરિણામને હાઇકોર્ટમાં કોંગ્રેસનો પડકાર

ક્ષતિ ભરેલુ સોગંદનામુ : સોગંદનામામાં અનેક વિગતો છુપાવવામાં આવી હોવાનો આરોપ : પ્રેસ કોન્‍ફરન્‍સમાં વિગતો જાહેર

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૭ : ગુજરાત વિધાનસભાની ચુંટણીના પરિણામો બાદ ટંકારા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી હારેલા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ હાઈકોર્ટમાં ઈલક્‍શન પિટિશન ફાઈલ કરી ભાજપના વિજેતા ઉમેદવાર દુર્લભજી દેથરીયાએ સોગંદનામામાં અનેક ક્ષતિઓ રાખવાની સાથે ચૂંટણીપંચ સમક્ષ અનેક વિગતો છુપાવી હોવાનો આરોપ લગાવ્‍યો છે.

ટંકારા વિધાનસભા બેઠકમાં પૂર્વ ધારાસભ્‍ય લલિત કગથરાએ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં રિપ્રેઝન્‍ટેશન ઓફ ધ પીપલ એક્‍ટ-૧૯૫૧ હેઠળ અરજી કરેલી છે. આ અરજીમાં રિટર્નિંગ ઓફિસર સહિત ચુંટણી પંચને પક્ષકાર બનાવેલા છે. લલિત કગથરાએ તેની અરજીમાં જણાવ્‍યું છે કે ટંકારા બેઠક પરથી વિજેતા ઉમેદવારના ફોર્મ સાથે જોડાયેલા સોગંદનામામાં અનેક ભૂલો હતી, તેના શિક્ષણ અંગે કોઈ સ્‍પષ્ટતા કરેલી નથી, તેમની મિલકત અંગે યોગ્‍ય માહિતી આપી નથી, તેની પાસે કાર હોવા છતાં તે દર્શાવી નથી, તેના ફોર્મમાં અનેક ખાના બાકી હતા. આ પ્રકારની અનેક ભુલો હોવા છતાં, રિટર્નિંગ ઓફિસરે તેના ફોર્મને રદ કર્યુ ન હતુ.

વધુમાં આ અંગે રિટર્નિંગ ઓફિસરને રજૂઆત પણ કરાયેલી હતી છતાં રજુઆત પરત્‍વે ધ્‍યાન આપવામાં આવ્‍યું ન હોવાનો આરોપ આ રિટ પીટીશનમા કરાયો છે અને આવતીકાલે કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ ધારાસભ્‍ય લલિત કગથરા દ્વારા એક પત્રકાર પરિષદ પણ આજે સવારે ૧૦ વાગ્‍યે યોજાઇ છે.

(11:58 am IST)