Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

મોરબીમાં નવા બસ સ્‍ટેન્‍ડ પાસે ટ્રકે બાઇકને ઉલાળતા કિશોરભાઇ ફેકરનું મોત

લીલાપર રોડ ઉપર સાયકલ ઉપરથી પડી જતા બાળક ધવલ ભરવાડનું મોત : જીઆઇડીસી પાસે કાર હડફેટે બાઇક ચાલક આધેડને ઇજા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી તા. ૨૭ :  શહેરના નવા બસ સ્‍ટેન્‍ડ નજીકં ટ્રકના ચાલકે બાઈકને ઠોકરે લેતા બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું અને અકસ્‍માત સર્જી ટ્રકચાલક નાસી ગયો હતો.

મોરબીના રવાપર ઘુનડા રોડ પર શ્રીજી ટાવરમાં રહેતા વિનોદભાઈ દેવરાજભાઈ ફેફરે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ કિશોરભાઈ દેવરાજભાઈ ફેફર પોતાનું બાઈક જીજે ૧૮ સીડી ૫૫૨૩ લઈને ઘરેથી સરદાર બાગ શાક માર્કેટ જતા હોય ત્‍યારે નવા બસ સ્‍ટેન્‍ડ નજીક સરદાર પટેલ સ્‍ટેચ્‍યુ પાસે ટ્રક જીજે ૨૫ ટી ૫૪૪૩ ના ચાલકે ટ્રક બાઈક પાછળ અથડાવી અકસ્‍માત સર્જ્‍યો હતો અને બાઈક ચાલક રસ્‍તા પર ધસડાઇને પડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને અકસ્‍માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરાર ટ્રકચાલક વિરુદ્ધ અકસ્‍માતનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

બીજા બનાવમાં મૂળ કચ્‍છનો વતની ૧૪ માસનો ધવલ બાબુભાઇ ભરવાડ ગત તારીખ ૩૦ના રોજ મોરબી લીલાપર રોડ યદુનંદન ગૌશાળા મચ્‍છુ નદી પાસે સાયકલ પરથી પડી ગયો હતો. જેથી તેને ગંભીર ઇજાઓ પહોચી હતી. જેથી પ્રથમ તેમને ખાનગી ચીલ્‍ડ્રન હોસ્‍પીટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો. જે બાદ અન્‍ય હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. જ્‍યાં ચાલુ સારવાર દરમિયાન તા.૦૨ના રોજ મોત નીપજયું હતું. આ અંગેની જાણ મોરબી સીટી એ ડીવીઝન પોલીસને થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

તેમજ મોરબીના શનાળા બાયપાસ પાસે રહેતા રમેશભાઈ સોમાભાઈ સિંધવ (ઉ.વ.૫૧) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે પોતાનું બાઈક જીજે ૩૬ એડી ૫૦૯૨ લઈને શનાળા રોડ પર જીઆઈડીસી પાસેથી જતા હોય ત્‍યારે કાર જીજે ૩૬ બી ૮૪૪૪ના ચાલકે કાર પુરઝડપે ચલાવી ફરિયાદીના બાઈક પાછળ ભટકાડી અકસ્‍માત સર્જ્‍યો હતો જે અકસ્‍માતમાં બાઈક ચાલક ફરિયાદી રમેશભાઈ સિંધવને ઈજા પહોંચી હતી જેથી રમેશભાઈને સારવાર માટે ક્રિષ્‍ના હોસ્‍પિટલ મૂકી બાદમાં કાર ચાલક જતો રહ્યો હોવાનું જણાવ્‍યું છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્‍માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:30 pm IST)