Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

આટકોટની કે.ડી.પરવાડિયા હોસ્‍પિટલમાં મહિલાના અંડાશયમાંથી અઢી કિલોની ગાંઠ કઢાઈ

જસદણ તા. ૨૭ : જસદણના આટકોટ ખાતે આવેલી કે.ડી.પરવાડિયા મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલ દર્દીઓ માટે આશાનું કિરણ બની રહી છે. અસહ્ય બિમારી અને રોગોથી પીડાતા દર્દીઓને અહિં નવું જીવન મળી રહ્યાનો અહેસાસ થઈ રહ્યો છે. ત્‍યારે કે.ડી.પરવાડિયા મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલમાં ૩૦ વર્ષની મહિલાની જટિલ સર્જરી કરવામાં આવી છે. અન્‍ય હોસ્‍પિટલમાં લાખોના ખર્ચની સામે કે.ડી.પરવાડિયા હોસ્‍પિટલમાં આયુષ્‍યમાન ભારત યોજના હેઠળ મહિલાનું સફળ ઓપરેશન કરવામાં આવ્‍યું હતું.

જેથી મહિલા અને તેમના પરિવારે તમામનો આભાર માન્‍યો હતો. આ ૩૦ વર્ષીય મહિલા છેલ્લા એક વર્ષથી અંડાશયમાં મોટી ગાંઠ હોવાના લીધે અસહ્ય પીડા અનુભવી રહી હતી. પીડાથી કણસતી મહિલા અને તેમના પરિવારે એક વર્ષમાં ઘણી હોસ્‍પિટલમાં તપાસ કરાવી હતી. જો કે ત્‍યારબાદ જટિલ ઓપરેશન હોવાથી રાજકોટ કે અમદાવાદ જવા માટે તમામ જગ્‍યાએથી સલાહ આપવામાં આવતી હતી. જો કે પોતાના જ વિસ્‍તાર આટકોટમાં પણ અંડાશયની ગાંઠની તપાસ કરાવવા મહિલા દર્દી આવ્‍યાં હતા. જ્‍યાં તબીબોએ મહિલા દર્દીના જરૂરી રિપોર્ટ કર્યા બાદ અંડાશયની ગાંઠની જટિલ સર્જરી કરવાનું નક્કી કર્યું હતું. આ સર્જરી દરમિયાન ગાયનેક સર્જન ડો.રાહુલ સિંહાર, ભાર્ગવ પટેલ અને તેમની ટીમ તેમજ એનેસ્‍થેટીક જયદીપ સંઘાણી તથા હોસ્‍પિટલના એડમિનિસ્‍ટ્રેટર ડો.નવનીત બોદરે આસિસ્‍ટન્‍ટની મદદથી આયુષ્‍માન ભારત યોજના હેઠળ મહિલાનું ઓપરશન સફળ રીતે પાર પાડ્‍યું હતું. મહિલા દર્દીનું ઓપરેશન કરી આશરે અઢી કિલોની ગાંઠ કાઢવામાં તબીબોને સફળતા મળી હતી.

(10:22 am IST)