Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

કુડા ગામે માતાજીના માંડવામાં ધુણી રહેલા ભુવાનું મોત

ભાવનગરના ઘોઘા તાલુકાના બનાવથી અરેરાટી : મકાભાઇ દાનાભાઇ ગોહિલ અચાનક ઢળી પડયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૭  : ભાવનગર જિલ્લાના કુડા ગામે માતાજીના માંડવામાં ધુણતા ધુણતા ભુવાનું મોત થતા ઘેરો શોક છવાઈ ગયો છે.

ᅠભાવનગર જિલ્લાના ઘોઘાની બાજુમાં આવેલᅠ કુડા ગામે શિકોતર માતાજીના ૨૪ કલાકના નવરંગા માંડવાનું ગોહિલ પરીવાર દ્વારા આયોજન કરાયું હતું. જેમાં કુડા ગામે રહેતા કુટુંબના ભુવા મકાભાઈ દાનાભાઈ ગોહિલ (ઉ.૬૫)ના શરીરમાં દૈવીશક્‍તિનો પ્રવેશ થયો હોય એમ માંડવામાં ધુણતાં હતા તે સમયે અચાનક જ ઢળી પડ્‍યા હતા, જેથી ત્‍યાં હાજર લોકો દ્વારા તેમને ત્‍યાંથી તાત્‍કાલિક કોળિયાક સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા. જયા ફરજ પરના તબીબે આ આધેડભૂવાને મૃત જાહેર કર્યા હતા. આ અઘટીત બનાવને પગલે નાનકડા એવા સમગ્ર કુડા ગામમાં ધર્મમય વાતાવરણના સ્‍થાને ઘેરા શોકનું મોજું ફરી વળ્‍યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કુડા ગામે નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ દરમિયાન એક ભુવા ધૂણી રહ્યા હતા તે ધુણતા ધુણતા જ ઢળી પડ્‍યા હતા. જેથી દોડધામ મચી ગઈ હતી અને તાબડતોબ તેને કોળીયાક હોસ્‍પિટલ ખાતે લઈ જવામાં આવ્‍યા હતા જયાં તબીબો એ તેમને મૃત જાહેર કર્યા હતા. ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ભુવાનું મોત થતા અરેરાટી વ્‍યાપી ગઈ છે. છેલ્લા થોડા દિવસોથી હૃદયરોગની બીમારીનું પ્રમાણ વધ્‍યું છે અને હૃદય રોગના હુમલા જીવલેણ સાબિત થઈ રહ્યા છે.

(10:58 am IST)