Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

માંડવી બીચ ઉપર બેફામ જીપ ચલાવીને આતંક : ૩ ઝડપાયા

સોશ્‍યલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ કાર્યવાહી : પ્રવાસીઓમાં ગભરાટ ફેલાવ્‍યો'તો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૭ : ધૂમ સ્‍ટાઈલ બાઈક ચલાવી સ્‍ટંટ કરતાં નબીરાઓ સાથે હવે ફાસ્‍ટ સ્‍પીડ માં ફોર વ્‍હીલર ચલાવી લોકોમાં ગભરાટ ફેલાવનાર નબીરાઓ પણ વધી રહ્યા છે. પોતાની સાથે અન્‍ય નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂકનારાઓ સામે કડક કાર્યવાહી કરી લોકોની વચ્‍ચે ઉજાગર કરવા જોઈએ. કચ્‍છના માંડવી બીચ ઉપર આ રીતે જ ત્રણ યુવાનોએ બેફામ સ્‍પીડ સાથે આડેધડ થાર જીપ ચલાવી લોકોના જીવ અદ્ધર કર્યા હતા.

આ અંગેનો વીડિયો ભારે ટીકા સાથે સોશ્‍યલ મીડિયામાં વાયરલ થયા બાદ ઇલેક્‍ટ્રોનિક અને પ્રિન્‍ટ મીડિયામાં પણ અહેવાલો આવતાં પોલીસ હરકતમાં આવી હતી. અંતે આ રીતે બેફામ જીપ ચલાવનાર આરોપી (૧) કરણભાઇ મહેશભાઇ સોરઢીયા (આહીર) ઉવ.૨૨ રહે.માનવ હોટની બાજુમા અંજારᅠ થાર ગાડી નં. જીજે.૧૮.બી.કયુ.૫૦૨૨ આરોપી (૨) આદિત્‍ય સુરજીતસિંઘ સૈની ઉવ.૨૧ રહે.ઝવીયર્સ સ્‍કુલ પાસે આદીપુરᅠથાર ગાડી નં. નં.જી.જે.૧૨એફ.બી.૭૭૭૮ આરોપી (૩) રૂતુરાજસિંહ વનરાજસિંહ જાડેજા ઉ.વ.૧૯ રહે.દરબાર ફળીયુ વરસામેડી તા.અંજાર ᅠથાર ગાડી નં. જીજે.૩૬.એ.એફ.૫૯૫૯ᅠ ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે તેમની સામે પોતાની થાર ગાડી સહેલાણીઓની જીદગી જોખમાય તે રીતે પોતાના કબ્‍જાની લાલ તથા કાળા કલરની થાર ગાડીઓ પુર ઝડપે અને બેદરકારી અને ગફલતભરી રીતે અને બેફામ રીતે ચલાવવાનો ગુનો નોંધ્‍યો હતો.

આ કામગીરી પો.ઇન્‍સ. એ.જે. ચૌહાણની સાથે પો.હેડ કોન્‍સ.દિલીપકુમાર એલ ડામોર તથા પો.હેડ કોન્‍સ.નિલેશકુમાર પી ચૌધરી તથા પો.હેડ કોન્‍સ. લીલાભાઇ કે દેસાઇ તથા પો.હેડ કોન્‍સ. સંજયકુમાર એમ ચૌધરી, નિલેશકુમાર પી ચૌધરીએ કરી હતી. દરમ્‍યાન ત્રણેય આરોપીઓ જામીન ઉપર મુક્‍ત થઈ ગયા છે.

(11:36 am IST)