Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ચામુંડા માતાજી ડુંગરની પાંચમાં નોરતે પાંચ કીમીની પરિક્રમા યાત્રા પૂર્ણ

ચોટીલા તા. ૨૭ : ચૈત્રી નવરાત્રીનાં પાંચમા નોરતે રાજ્‍યના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુડા માતાજીનાં ડુંગર ની પરિક્રમા માં હજારો માઇભક્‍તોએ પૂર્ણ કરી ધન્‍યતાનું ભાથું બાંધેલ હતું.

ચામુંડાધામ ખાતે સતત બીજા વર્ષે ધર્મજાગરણ સમન્‍વય દ્વારા માતાજીનાં ડુંગર ફરતે પરિક્રમાનું આયોજન કરવામાં આવેલ, તળેટી નવગળહ મંદિર પટ્ટાગણમાં સવારે ધર્મસભા યોજાઇ હતી. અનેક જાણીતા સંતો મહંતોએ પ્રસંગોચીત પ્રવચનો આપેલ હતા. આ પ્રસંગે સામાજીક રાજકીય આગેવાનો અને ધર્મ પ્રેમી માઇભક્‍તો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

યાત્રા પહેલા ધ્‍વજા દંડની પુજા અર્ચના મહાઆરતી કરી માઇભક્‍તોને ધર્મદંડ આપી ઉપસ્‍થિત સંતોએ યાત્રાને પ્રસ્‍તાન કરાવેલ હતું જય માતાજીનાં જયઘોષ સાથે યાત્રામાં હજારો માઈ ભક્‍તો ભાઇઓ બહેનો ચામુંડાધામની દ્વિતીય પરિક્રમા મા જોડાયા હતા.

ચામુડા તળેટી, પાળીયાદ રોડ, ખોડીયાર ગાળો થઈ દુધેલી માર્ગ, મફતિયા પરા નજીક ચામુડા ડુંગરની ૫ કીમી પદયાત્રા રૂપી શ્રધ્‍ધા સાથે પરિક્રમા કરી માઈ ભક્‍તો એ ધન્‍યતા અનુભવી હતી.

પરિક્રમા માટે રાજ્‍યનાં અનેક શહેરો અને ગ્રામ્‍ય પંથકના ભાવીકો ખાસ ચોટીલા ખાતે આવેલા હતા ભાઇઓ અને બહેનોએ ઉમંગ સાથે જોડાયા હતા યાત્રીઓ માટે પાણી સરબત સહિતના સેવા કેમ્‍પો સેવાભાવી લોકો એ રસ્‍તામાં લગાવી પદયાત્રી સેવાનો લાભ લીધો હતો.

પરિક્રમા યાત્રાનું બે વર્ષ થી આયોજન માઇભક્‍તોમાં સંગઠિત ધાર્મિક શક્‍તિનું નિર્માણ થાય તેવા હેતુથી કરવામાં આવે છે.

પરિક્રમા રૂટ ઉપરનો રસ્‍તો ચાલી શકાય તેવો કરવા પરિક્રમાર્થીઓની માંગ

બીજા વર્ષે પરિક્રમાની જાહેરાત ઘણા દિવસો પહેલા કરવામાં આવેલ પરંતું સમગ્ર રૂટ ઉપર યાત્રા કરતા હજારો માઈ ભક્‍તો પ્રત્‍યે સરકારી તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવી હોય તેવું જોવા મળેલ હતું ઠેર ઠેર ચાલવું દુષ્‍કર બનતું જોવા મળેલ શ્રધ્‍ધા થી ખુલ્લા પગે ચાલનાર અનેક પદયાત્રીઓને કાકરા અને કાટા ઉપર થી ચાલવું પડેલ અને પીડા પણ વેઠવી પડેલ હતી, પરિક્રમાનું આયોજન ખુબ સરસ છે હવે દર વર્ષે લોકોનો વધારો થશે જ ત્‍યારે આ રૂટ ઉપર ચાલી શકે તેવો માર્ગ સરકાર દ્વારા બનાવાય તેવી પરિક્રમાર્થીઓ એ માંગ કરી છે.

(12:53 pm IST)