Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ભારતની સંસ્‍કૃતિએ અતિથિ દેવો ભવઃની સંસ્‍કૃતિ છે : ધારાસભ્‍ય પબુભા માણેક

દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે પર્યટન પર્વ ૨૦૨૩ કાર્યક્રમ ઉજવાયો : વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો થકી સમગ્ર વાતાવરણ બન્‍યું અભિભૂત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૨૭ : આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત દેશ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્‍યારે યાત્રાધામ દેવભૂમિ દ્વારકા પાવન ભૂમિ પર રમત ગમત યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર, કમિશનરશ્રી યુવક સેવા સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સંચાલિત પર્યટન પર્વ સાંસ્‍કૃતિક કાર્યક્રમ - ૨૦૨૩ મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં શિવરાજપુર બીચ ખાતે કરવામાં આવ્‍યું હતું.

આ તકે ધારાસભ્‍ય પબુભા માણેકે જણાવ્‍યું હતું કે, પ્રાચીન સમયથી જ ભારતની ભૂમિ ઉત્‍સવપ્રિય રહી છે. દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના દિશા નિર્દશનમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ નેતૃત્‍વમાં સાંસ્‍કૃતિક સ્‍થળો તથા પ્રવાસનધામો ખૂબ વિકાસ કર્યો છે. દ્વારકાની પાવન ભૂમિના વિકાસ માટે રાજય સરકાર દ્વારા બજેટમાં પણ અનેક જોગવાઈઓ કરી છે.

આ તકે ધારાસભ્‍યશ્રીએ વધુમાં જણાવ્‍યુ હતુ કે, સરકારશ્રી દ્વારા દેશમાં અનેક સાંસ્‍કૃતિક સ્‍થળોને ટુરિઝમ સર્કીટ તરીકે વિકાસવવાનું નિર્ણય કર્યો છે. જેમાં યાત્રાધામ દ્વારકાનો પણ સમાવેશ થાય છે. સરકારશ્રી દ્વારા પ્રવાસન સ્‍થળોનો વિકાસ કરીને ના માત્ર સંસ્‍કૃતના મહત્‍વને ઉજાગર કરી પણ નાના તથા મધ્‍યમ વર્ગીય નાગરિકો માટે આજીવિકા પૂરી પાડી છે.

કાર્યક્રમનો પ્રારંભ ચામુંડા મહેર રાસ મંડળી બોખીરા દ્વારા સુંદર ઢાલ - તલવાર રાસ દ્વારા કરવામાં આવ્‍યું હતું. તેમજ વિવિધ ગ્રુપો દ્વારા સુંદર રાસ રજૂ કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમના વિશેષ આકર્ષણ લોકસાહિત્‍યકાર દેવરાજભાઈ ગઢવી દ્વારા લોકડાયરાના સુર લહેરાવીને સમગ્ર વાતાવરણને સંકૃતિમય કરી દીધું હતું.

કાર્યક્રમમાં સ્‍વાગત પ્રવચન જિલ્લા યુવા વિકાસ અધિકારી પરબતભાઈ હાથલિયા દ્વારા કરવામાં આવ્‍યું હતું.

આ તકે ઇન્‍ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જે.આર.પરમાર, દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન કેર, ઓખા નગરપાલિકા પ્રમુખ ઉષાબેન ગોહેલ, જિલ્લાના અગ્રણીઓ લુણાભા સુમણીયા સહિત અધિકારીઓ તથા બહોળી સંખ્‍યામાં નાગરિકોએ ભવ્‍ય કાર્યક્રમ નિહાળ્‍યો હતો.

(1:16 pm IST)