Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

માર્કેટિંગ યાર્ડ ધ્રોલ ખાતે ખેડૂતો સાથે બેઠક યોજતા કૃષિમંત્રી

જામનગર તા. ૨૭: કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્‍સ્‍ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે માર્કેટિંગ યાર્ડ ધ્રોલ ખાતે જિલ્લાના ખેડૂતો સાથે બેઠક યોજી હતી. જયાં તેઓએ ખેડૂતોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી અને રજૂઆતોનું તાત્‍કાલિક નિરાકરણ લાવવામાં આવશે તેમ જણાવ્‍યું હતું.

મંત્રીએ આ પ્રસંગે કૃષિ, પશુપાલન, સહકાર તથા ગ્રામ વિકાસ વગેરે અંગે ખેડૂતો સાથે ચર્ચા પરામર્શ કર્યો હતો. અને ખેડૂતોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી. જેમાં ખેડૂતોએ યાર્ડની જગ્‍યા સી.સી.કરવી, ધ્રોલ તાલુકાના ગામોમાં નર્મદા નિરથી તળાવો, ચેક ડેમો ભરવા, ઉંડ-૧ માં ઉપલા સેક્‍શનમાં આર.સી.સી. સ્‍ટ્રક્‍ચર કરવું, આજી-૩ ડેમ હેઠળની કેનાલો અંડર ગ્રાઉન્‍ડ કરવી, તથા પશુઓ માટે ૧૯૬૨ એમ્‍બ્‍યુલન્‍સની સુવિધા વધારવી વગેરે જેવા પ્રશ્નો સાંભળ્‍યા હતા અને તમામ પ્રશ્નો પરત્‍વે યોગ્‍ય અને ત્‍વરિત કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્‍યું હતું.

મંત્રીએ આ પ્રસંગે ઉપસ્‍થિત ખેડૂતોને સંબોધિત કરતા જણાવ્‍યું હતું કે સૌરાષ્ટ્રમાં વરસાદ આધારિત ખેતી છે અને ચોમાસુ અનિશ્ચિત છે ત્‍યારે પાણીનું ટીપે ટીપુ બચાવવું એ આપણા સૌની જવાબદારી છે. સુજલામ સુફલામ યોજના, સૌની યોજના મારફત કચ્‍છ-ઓખા સુધી રાજય સરકારે પાણી પહોંચાડ્‍યું છે. ચેકડેમો ભરાય, પીવાના પાણીની સુવિધા ઉભી થાય તે માટે સરકાર સતત ચિંતિત છે. ખેડૂતોને જણસના પૂરતા ભાવ મળે અને પાકની પારદર્શક ખરીદી થાય તે માટે સરકાર સતત પ્રયત્‍નશીલ છે એમ જણાવી કૃષિ મંત્રીશ્રીએ વિવિધ કૃષિલક્ષી યોજનાઓની ઉપસ્‍થિત સર્વે ખેડૂત ભાઈઓને જાણકારી આપી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, માર્કેટિંગ યાર્ડ ધ્રોલના પ્રમુખ દેવકરણભાઈ ભાલોડિયા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્‍ય મનસુખભાઈ ચભાડીયા, નવલભાઈ મૂંગરા, પોલુભા જાડેજા, સમીરભાઈ શુક્‍લ, મહાવીરસિંહ  જાડેજા, ડી.ડી. જીવાણી, ભીમજીભાઈ મકવાણા, રસિકભાઈ ભંડેરી, મયુરસિંહ જાડેજા, જયંતીભાઈ કગથરા તથા બહોળી સંખ્‍યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:59 pm IST)