Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

૧૩ કરોડના ખર્ચે આવ્‍યું MRI મશીન : દર્દીઓની હાલાકીનો અંત

જામનગરની જીજી હોસ્‍પિટલમાં : રાઘવજીભાઇ પટેલ, પૂનમબેન માડમ, દિવ્‍યેશ અકબરી, રીવાબા જાડેજા, બીનાબેન કોઠારીયા, તપનભાઇ પરમારની ઉપસ્‍થિતિમાં લોકાર્પણ

(મુકુંદ બદિયાણી દ્વારા)ᅠજામનગર તા. ૨૭ : સૌરાષ્ટ્રની સૌથી મોટી અને ગુજરાત રાજયની બીજા ક્રમની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્‍પિટલમાં લાંબા સમય બાદ રૂપિયા ૧૩ કરોડના ખર્ચે અતિ આધુનિક એમઆરઆઇ મશીન નું લોકાર્પણ કરવામાં આવ્‍યું છે.

જામનગરના ધારાસભ્‍ય દિવ્‍યેશ અકબરી અને રિવાબા જાડેજા ઉપરાંત શહેર ભાજપના પ્રમુખ અને હોદ્દેદારોની રજૂઆતને પગલે રાજયના આરોગ્‍ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા નવા આઠ જેટલા એમઆરઆઇ મશીનો સરકારી હોસ્‍પિટલોમાં ફાળવવામાં આવ્‍યા છે જેમાં સૌપ્રથમ ટેસ્‍લા કંપનીનું સિમેન્‍સ એમ આર આઈ મશીન જામનગરની સરકારી જીજી હોસ્‍પિટલમાં ફાળવવામાં આવ્‍યું છે.

અગાઉ હોસ્‍પિટલમાં એમઆરઆઇ મશીન ન હોવાને કારણે દર્દીઓને પારાવાર મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ હવેથી જીજી હોસ્‍પિટલમાં જ અધ્‍યતન ૭૦૦ બેડની હોસ્‍પિટલના ગ્રાઉન્‍ડ ફલોરમાં કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ અને સાંસદ પૂનમબેન માડમ ઉપરાંત ધારાસભ્‍યો દિવ્‍યેશ અકબરી રેવાબા જાડેજા તેમજ મેયર બીનાબેન કોઠારીયા, ડેપ્‍યુટી મેયર તપનભાઈ પરમાર સહિતના મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં એમ આર આઈ મશીન નું લોકાર્પણ કરવામાં આવ્‍યું છે.

આ પ્રસંગે જીજી હોસ્‍પિટલના સુપ્રીટેન્‍ડેટ ડો. દીપક તિવારી, એમ પી શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઈ, મેડિસિન વિભાગના વડા ડો. મનીષ મહેતા, ડો. એસ.એસ.ચેટરજી, રેડિયોલોજી વિભાગના વડા ડો. નંદિની બહારી સહિતના અધિકારીઓ અને તબીબી સ્‍ટાફ પણ ઉપસ્‍થિત રહ્યો હતો. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(1:54 pm IST)