Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

જેતપુરમાં બાર એસોસીએશન દ્વારા સન્‍માન સમારોહ યોજાયો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૭ :.. તાલુકાના જેતલસર જંકશન ગામે બે વર્ષ પહેલા સગીરાની નીર્મલ હત્‍યા કરનાર હત્‍યારાને ઐતીહાસિક ફાંસીનો ચુકાદો અપાવનાર શહેરના પ્રખર ધારાશાષાી જનકભાઇ પટેલનો સન્‍માન સમારોહ બાર કોર્ટ રૂમ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સ્‍વામી નારાયણ ગાદી સ્‍થાનના જી. નીલકંઠચરણદાસજી સ્‍વામી, લલીતભાઇ રાદડીયા ખાસ ઉપસ્‍થીત રહેલ. નીલકંઠ સ્‍વામીએ જણાવેલ કે નીપૂર્ણ વ્‍યકિત હમેંશા પોતાની સફળતાનો યશ બીજા ને આપે છે જનકભાઇએ પોતાની સફળતા માટે તમામ વકીલોને શ્રેય આપેલ. અને સમાજમાં દાખલો બેસાડેલ અધમકૃત્‍ય કરનારને યોગ્‍ય સજા  અપાવી.

જનકભાઇ પટેલે કહ્યું કે તમામ વકિલ મીત્રો મારો પરિવાર છે તેની શુભેચ્‍છા અને સહકારથી જ કેસમાં સફળતા મળી છે અને  પોતાને યોગ્‍ય સમજી સ્‍પે. પી. પી. તરીકે નિમણુંક કરવા બદલ સરકાર અને જયેશભાઇ રાદડીયાનો આભાર માનેલ. બાર એસો. યુવા પ્રમુખ મહાવીરભાઇ પટેલે સુકાન સંભાળ્‍યા બાદ માત્ર વકીલોના જ નહિ પરંતુ દરેક લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે.

કાર્યક્રમનું સંચાલન જીતેન્‍દ્રભાઇ પારધીએ કરેલ. આ કાર્યક્રમમાં તમામ વકિલોએ હાજરી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સેક્રેટરી જયેશ ગોહેલ, ટ્રેઝરર બીમલ ભટ્ટા, ઉદય બાબરીયા, વિક્રમ પારધીએ જહેમત ઉઠાવી હતી.

(1:55 pm IST)