Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ભાણવડ પંથકમાં શ્રમિકો ઉપર છરી વડે હુમલો-લૂંટ ચાર સામે ફરિયાદ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૨૭ : લાલપુર તાલુકાના રીંજપર ગામે રહેતા અને મજૂરી કામ કરતા દિલીપભાઈ બાબુભાઈ વસરા નામના ૨૫ વર્ષના યુવાન થોડા દિવસ પૂર્વે ભાણવડ તાબેના ધારાગઢ ગામની સીમમાં આવેલા રીન્‍યુ પાવર પ્‍લાન્‍ટ નામની સોલાર પ્‍લાન્‍ટની કંપનીના કોન્‍ટ્રાક્‍ટર સાથે કામ કરતા હોય, તેઓ તેમના નાનાભાઈ પ્રકાશભાઈ તથા અન્‍ય એક યુવાન રાજુભાઈ ગોંડલીયા સાથે મજૂરી કામે આવ્‍યા હતા.

તેઓને આ કામ દરમિયાન ધારાગઢ ગામના કેટલાક શખ્‍સો ધાક ધમકી આપીને પોતાના વાહનો ધોવડાવતા હોય, તેમના કોન્‍ટ્રાક્‍ટર આમ કરવાની ના કહેતા ગઈકાલે શનિવારે સવારના સમયે ધારાગઢ ગામના સિક્‍યુરિટી મેનના ભાઈ એવા મામદ ઓસમાણ તથા હાજી હાસમ નામના બે શખ્‍સો ફરિયાદી દિલીપભાઈ પાસે પોતાનું મોટરસાયકલ ધોવડાવવા માટે આવ્‍યા હતા. જેથી તેઓએ આમ કરવાની ના કહી દીધી હતી.

ઉશ્‍કેરાયેલા આરોપી અસગર ઓસમાણ શેઠા, મામદ ઓસમાણ શેઠા, હાજી હાસમ શેઠા તથા અને અન્‍ય એક અજાણ્‍યો શખ્‍સ મળી કુલ ચાર શખ્‍સો બે મોટરસાયકલમાં છરી, લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ જેવા હથિયારો સાથે ઘસી આવ્‍યા હતા.

ફરિયાદી દિલીપભાઈ તથા તેમના ભાઈ પ્રકાશભાઈને બેફામ માર મારી, ઈજાઓ કર્યાની તથા દિલીપભાઈના ખિસ્‍સામાં રહેલું રૂપિયા ૪,૫૦૦ ની રોકડ રકમ ભરેલું પાકીટ આરોપી અસગર ઓસમાણે કાઢી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

ઘવાયેલા દિલીપભાઈ તથા પ્રકાશભાઈને ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે ભાણવડની સરકારી હોસ્‍પિટલમાં ખસેડાયા બાદ પ્રકાશભાઈને વધુ સારવારની જરૂરિયાત જણાતા અન્‍ય હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. આમ, મજૂરોએ ગાડી ધોવાની ના કહેતા આરોપી શખ્‍સોએ હથિયારો વડે હુમલો કરી, ઈજાઓ કર્યાની તથા મારી નાખવાની ધમકી આપી રૂપિયા ૪,૫૦૦ ની રોકડ રકમની લૂંટ ચલાવવા સબબ ભાણવડ પોલીસે દિલીપભાઈ બાબુભાઈ વસરાની ફરિયાદ પરથી ધારાગઢ ગામના અસગર ઓસમાણ, મામદ ઓસમાણ, હાજી હાસમ તથા અન્‍ય એક અજાણ્‍યા સામે ગુનો નોંધી, તપાસ પી.એસ.આઈ. પી.ડી. વાંદા હાથ ધરી છે.

(1:56 pm IST)