Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ધ્રોલમાં ગેરકાયદેદબાણો કયારે હટશે?

ધ્રોલ તા. ર૭ :.. ભાજપ શાસીત નગરપાલીકાના શાસનમાં શહેરના તમામ મુખ્યમાર્ગો તેમજ હાઇવે રોડ પર પાલીકાની તેમજ સરકારી જમીનો ઉપર કેબીનો, દુકાનો, હોટલો, જેવી દુકાનો ચાલુ કરી દેવામાં આવેલ છે. અને તેની સામે જાહેર માર્ગો પર ટ્રાફીકને મુશ્કેલીરૂપ દબાણો સામે આંખ મીચામણા કરવામાં આવે છે.

ધ્રોલ શહેરના ત્રીકોણ બાગથી જોડીયા રોડ તરફ શહેરના મુખ્ય માર્ગ પર આવેલ ગફારભાઇના ડેલાની દીવાલોને નજીક પંદરથી વીસ દુકાનોના સ્ટોલ શરૂ કરવામાં આવેલ છે અને તેમાં ગેરકાયદે વીજ કનેકશનો પણ આપેલ છે. આ અંગે શહેરના નાગરીક જયંતીભાઇ વાઘેલાએ ચીફ ઓફીસરને લેખીત જાણ કરીને આ ગેરકાયદે દબાણો દુર કરવા માટે એકાદ માસ અગાઉ લેખીત જાણ કરેલ છે. તેમ છતાં આ રોડ, માર્ગ અને મકાન વિભાગની હદમાં હોવાનું જણાવીને તેઓએ આ અંગે માર્ગ-મકાન વિભાગને જાણ કરીને તપાસ કરવા જણાવેલ છે.

આ ગેરકાયદે દબાણ અંગે માર્ગ અને મકાન વિભાગ તરફથી તા. રર-૧૧-ર૧ નાં રોજ ગફારભાઇ ડોસાણીને લેખીત જાણ કરીને આ સ્ટોલ ખસેડી લેવા માટે જાણ કરેલ છે.

ધ્રોલ શહેરના હાર્દસમા આ રોડ પર ખડકાયેલ દબાણો દુર કરવાની કામગીરી લાગતા વળગતા સત્તાવાળાઓ દ્વારા તાત્કાલીક કરવામાં આવે તેવી નાગરીકોની માંગણી છે. 

(1:15 pm IST)