Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

..અને જ્યારે માતૃત્વ હર્ષના આંસુથી ઉભરાયું: અધૂરા મહિને ઓછા વજન અને કમજોર ફેફસા સાથે જન્મેલા ત્રેલડાને ઘનિષ્ઠ સારવાર સાથે મળ્યું નવજીવન

ભુજની મુખ્ય જિલ્લા સરકારી હોસ્પિટલ જી.કે. જનરલ અદાણીના બાળરોગ નિષ્ણાત તબીબોની સંવેદનશીલ સઘન સારવાર રંગ લાવી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮

 અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં અધૂરા મહિને અને ઓછા વજન તેમજ નબળા ફેફસાને કારણે શ્વાસની તકલીફ સાથે જટિલ અવસ્થામાં અવતરેલા ત્રેલડાને(ટ્રિપલેટસ) બાળરોગ નિષ્ણાંતોએ સી.પેપ અને મોંઘી દવા સાથે અઠવાડિયાની ઘનિષ્ઠ સારવારના અંતે દૂધ લેતા કરીને માતાને સુપરત કરાતા એક અઠવાડિયાથી તાળવે ચોંટેલું માતૃત્વ હર્ષના આંસુથી છલકાઈ ઊઠયું હતું. 

જી.કે. જનરલ હોસ્પિટલના બાળરોગ વિભાગના તબીબ ડો. ઋષિ ઠક્કરે કહ્યું કે, અહી જ ૩૨ અઠવાડિયે અધૂરા મહિને જન્મેલા ત્રેલડાનું વજન સામાન્ય કરતાં સરેરાશ ૧ કી.ગ્રા. ઓછું હતું. પરંતુ, ફેફસાં અત્યંત અલ્પ વિકસિત હોવાથી પરિસ્થિત વિકટ બની ગઈ હતી. બાળરોગ વિભાગના હેડ ડો. રેખાબેન થડાનીના માર્ગદર્શન હેઠળ ત્રણેય નવજાતને નાના મશીન(સી.પેપ) ઉપર રાખ્યા અને જરૂર વર્તાઇ એ શિશુને મોંઘી કિંમતના સર્ફકટન્ટ ઈંજેકશન આપવાનું શરૂ કર્યું. ત્યારપછી તેના પર અસર દેખાવા લાગી હતી. આ સારવારમાં રેસિ.ડો. કરણ પટેલ પણ જોડાયા હતા. 

કુકમાં ગામના લાછીબેનના કૂખે જન્મેલા આ ત્રેલડા જેમાં બે પુત્રી અને એક પુત્રનો સમાવેશ થાય છે. ત્રણેયને સતત ૭ દિવસ સુધી સી.પેપ ઉપર રાખ્યા પછી સુધારો જણાતા સાદા ઓક્સિજન ઉપર મૂકી સારવાર આપવાનું શરૂ કર્યું. આ પ્રયોગ કારગર સાબિત થયો. અને પછી નળી વાટે દૂધ આપવાનું શરૂ કર્યું. છેવટે ચમચીથી શિશુઑએ દૂધ લેવાનું શરૂ કરતાં ત્રેલડા ભયમુકત બન્યા પછી જ માતાને અને તેમના સબંધીઓને સુપરત કરવામાં આવ્યા.

(9:42 am IST)