Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

બેડલામાં દિલીપભાઇ સિધ્ધપુરાના મકાનના તાળા તોડી રૂ. ૪.૩૯ લાખની મતાની ચોરી

ત્રણ સંતાનો ચોટીલા ગયા અને દિલીપભાઇ બાજુમાં માતાના ઘરે ગયા હતા

રાજકોટ, તા., ૨૮: કુવાડવા નજીક બેડલા ગામમાં રહેતા લુહાર યુવાનના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ તથા દાગીના મળી રૂ. ૪.૩૯ લાખની મતા ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ બેડલા ગામમાં રહેતા અને કુવાડવા ગામમાં લુહારી કામની દુકાન ધરાવતા દીલીપભાઇ મગનભાઇ સિધ્ધપુરા (ઉ.વ.૪પ) ના બે પુત્ર અને એક પુત્રી  ગત તા.ર૬ના રોજ ચોટીલા દર્શન કરવા ગયા હતા અને પોતે બાજુમાં માતાના ઘરે ગયા હતા અને રાત રોકાયા હતા. બાદ ગઇકાલે સવારે દીલીપભાઇ પોતાના ઘરે આવ્યા ત્યારે ડેલીનું તાળુ તુટેલુ અને અંદર  મકાનના દરવાજાનો નકુચો તુટેલો જોતા તેણે અંદર જઇને જોતા સામાન વેરવિખેર અને કબાટ ખુલ્લો જોતા તેણે તાકીદે તપાસ કરતા રૂ. ૧,૮પ,૦૦૦ રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. ૪,૩૯,૦૦૦ની મતા તસ્કરો ચોરી ગયા હોવાની ખબર પડી હતી. બાદ દીલીપભાઇએ સગા સંબંધી અને તેના બે પુત્ર અને પુત્રીને જાણ કરતા પરીવારજનો દોડી આવ્યા હતા. બાદ કોઇએ જાણ કરતા એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઇ વી.સી.પરમાર, હેડ કોન્સ. અશોકભાઇ કલાલ તથા યુવરાજસિંહએ સ્થળ પર પહોંચી દીલીપભાઇની ફરીયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

(12:58 pm IST)