Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

રાપર તાલુકાના ત્રંબૌ ગામે રેતી ભરેલું ટ્રેકટર વાડી પાસેથી કાઢવા બાબતે કરાયો ઘાતક હુમલો- ત્રણ ઘાયલ

રેતી ચોરી વિશે પુછપરછ કરતા મુસ્લિમ શખ્સોએ વાડી માલિક બ્રાહ્મણ પિતા, પુત્ર અને ભત્રીજા ઉપર જીવલેણ હુમલો કર્યોઃ મોડી રાત સુધી ફરિયાદ ન નોંધાઈ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૮: કચ્છના રાપર તાલુકામાં કાયદો અને વ્યવસ્થા સામે પડકાર સર્જાયો છે. વકીલની હત્યાના બનાવ બાદ રાપરની બાજુમાં આવેલ ત્રંબૌ ગામે રેતી ચોરીના મામલે ડખ્ખો સર્જાયો હતો. મળતી માહિતી મુજબ માથાભારે મુસ્લિમ શખ્સો અને વાડી માલિક બ્રાહ્મણ પરિવાર વચ્ચે વાડી પાસેથી રેતી ભરેલું ટ્રેકટર કાઢવા બાબતે બોલાચાલી થઈ હતી. જે વાડી માલિક.પરિવાર ઉપર દ્યાતક હુમલામાં પરિણમી હતી. રેતી ભરેલું ટ્રેકટર વાડી પાસેથી કાઢવા બાબતે વાડી માલિક વિજયભાઇ છગનલાલ રાજગોર, તેમના પુત્ર સુખદેવ વિજય રાજગોર, ભત્રીજા અશોક સુંદરજી રાજગોરે નદીમાંથી ભરેલી રેતીની મંજુરી અને કાગળીયા બાબતે પૂછતાં આલમ ઈસ્માઈલ નોડે અને યાસીન જુણસ નોડે નામના બંને શખ્સો ખિજાયા હતા અને તેમના દ્વારા જીવલેણ હુમલો કરાયો હતો.  આ બનાવમાં વાડી માલિક વિજયભાઇ, પુત્ર સુખદેવ, ભત્રીજો અશોક ઈજાગ્રસ્ત થયા હતા, ત્રણેય ઘાયલોને પહેલાં ભચાઉની વાગડ વેલફેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બાદમાં ગાંધીધામ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જોકે, ગઈકાલે મોડી રાત સુધી પોલીસ ફરિયાદ નોધાઈ ન્હોતી. વાગડ માં ફરી ટૂંકા ગાળામાં લોહી રેડાતાં કાયદા સામે પડકારની પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે.

(11:58 am IST)