Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

કાલે નરેન્‍દ્રભાઇ ભાવનગરમાં : રોડ-શો : સભા ગજવશે

રોડ શોમાં હજારોની સંખ્‍યામાં નાગરિકો પદયાત્રામાં જોડાઇને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીનું ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત કરશેઃ હિરાધસુ કારીગરો-રત્‍નકલાકારો સાથે તેમના માલિક હિરાઉદ્યોગકારો સ્‍વયં રોડ શોમાં જોડાશે : વિવિધ સંસ્‍થા-સંગઠનો દ્વારા શ્રી મોદીનું કરાશે અવનવી રીતે સ્‍વાગતઃ ભાવનગર ખાતેથી રૂ.૬.૫૦ હજાર કરોડના ઐતિહાસિક વિવિધ પ્રકલ્‍પોના લોકાર્પણ-ખાતમૂહુર્ત થશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૮: દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી કાલે તા.૨૯ અને ૩૦ સપ્‍ટેમ્‍બરના રોજ ગુજરાત પ્રવાસે આવનાર છે અને રાજયના નાગરિકોને અનેક સુખ સુવિધાઓની ભેટ આપનાર છે. તા.૨૯ સપ્‍ટેમ્‍બરે શ્રી મોદી ભાવનગર ખાતે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેનાર છે ત્‍યારે વડાપ્રધાનશ્રીના સ્‍વાગત માટે ભાવનગરના ચાહકોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં યોજાનાર રોડ શોમાં હજારોની સંખ્‍યામાં નાગરિકો પદયાત્રા જોડાઇને વડાપ્રધાનશ્રીનું અનોખી રીતે ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત કરશે, જેમાં હિરાધસુ કારીગરો-રત્‍નકલાકારો સાથે તેમના માલિક હિરાઉદ્યોગકારો પણ સ્‍વયં રોડ શોમાં જોડાશે. એટલુ જ નહિ, વિવિધ સંસ્‍થા-સંગઠનો ધ્‍વારા વડાપ્રધાશ્રીનું અવનવી રીતે સ્‍વાગત કરી શ્રી મોદીની આ મુલાકાતને ઐતિહસિક બનાવાશે. વડાપ્રધાન શ્રી મોદીને આવકારવા થનગની રહેલા ભાવનગરનાં દરેક નાગરિકોના ઉત્‍સાહને બિરદાવી તેમનો આભાર મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ વ્‍યકત કર્યો છે.

મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ ભાવનગર મ્‍યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રીની ઉપસ્‍થિતિમાં સરકિટ હાઉસ ખાતે વહિવટી તંત્ર, સ્‍વૈચ્‍છિક અને સામાજિક સંસ્‍થાઓના આગેવાનો, હિરાઉદ્યોગકારો, વેપારી સંગઠનના આગેવાનો તેમજ પક્ષના આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં અગ્રણી શ્રી ભાયાલાલભાઇ નારી, શ્રી પોપટભાઇ ઇટાલીયા, ધનશ્‍યામભાઇ ભડીયાદ, શ્રી છગનભાઇ હડમતીયા, શ્રી ધર્મેશભાઇ ગાબાણી, શ્રી મુકેશભાઇ સરદાર, શ્રી સુરેશભાઇ લાખાણી સહિત વિવિધ હિરાઉદ્યોગકારો પણ જોડાયા હતા અને તેમણે વડાપ્રધાનશ્રીના રોડ શોમાં પોતાના ઉદ્યોગ-કારખાનાઓ બંધ રાખીને કારીગરો સાથે સ્‍વયં પદયાત્રા જોડાવવાનો અનેરો ઉત્‍સાહ વ્‍યક્‍ત કર્યો હતો. ભાવનગરના ડાહ્યાભાઇ સર્કલે એકત્ર થઇને અંદાજે ૩૫ હજારની સંખ્‍યામાં ભાવનગરના સૌ નાગરિકો પદયાત્રા રોડ શોમાં જોડાશે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે ભાવનગર ખાતેથી રૂ.૬.૫૦ હજાર કરોડના ઐતિહાસિક વિવિધ પ્રકલ્‍પોના લોકાર્પણ-ખાતમૂહુર્ત થનાર છે. ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ, બ્રાઉન ફિલ્‍ડ પોર્ટનો શિલાન્‍યાસ કરશે. તે ઉપરાંત ભાવનગરને આંગણે વિજ્ઞાનનગરીનું નવલું નજરાણું અર્પણ કરવા ભાવનગરની ભાગોળે ૨૦ એકરમાં અને રૂા. ૧૦૦ કરોડના ખર્ચે આકાર પામેલ અનોખું ‘રિજિયોનલ સાયન્‍સ સેન્‍ટરેનું લોકાર્પણ કરશે. ભાવનગર કન્‍ટેનર મેન્‍યુફેક્‍ચરિંગનું હબ બનવાની દિશામાં આગળ વધીને શ્રી મોદી APPL કન્‍ટેનરનું ઉદ્‍ઘાટન કરશે. જયારે તળાજા ખાતે રૂ. ૧૦ કરોડના ખર્ચે નવનિર્મિત મોડેલ સ્‍કૂલ અને ગર્લ્‍સ હોસ્‍ટેલનું લોકાર્પણ, મહુવા ખાતે રૂ. ૫.૮૬ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી કન્‍યા છાત્રાલય (વિકસતી જાતિ) લોકાર્પણ, રૂ. ૧૧.૧૦ કરોડના ખર્ચે નવનિર્મિત ભાવનગર એસ.ટી બસ સ્‍ટેશનનું લોકાર્પણ, રૂ. ૫.૩૧ કરોડનાં ખર્ચે ભાવનગરનું મોતીબાગ ટાઉનહોલ રીનોવેશન અને રી-ડેવલપમેન્‍ટ લોકાર્પણ, રૂ. ૧૭.૯૪ કરોડનાં ખર્ચે ભાવનગરનાં અકવાડા લેક ફ્રન્‍ટ ડેવલપમેન્‍ટ ફેઝ-૨નું ખાતમુહૂર્ત તેમજ રૂ.૨૦૦ કરોડનાં ખર્ચે તૈયાર થનાર માઢીયા જી.આઇ.ડી.સી.નું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી તા. ૨૯ સપ્‍ટેમ્‍બરના રોજ ભાવનગર ખાતે પધારી રહ્યાં છે. વડાપ્રધાનશ્રી જવાહર મેદાન ખાતે જંગી મેદનીને સંબોધવાના છે ત્‍યારે તેમની સભાના સ્‍થળ એવાં જવાહર મેદાન ખાતે તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

માનવંતા મહેમાનો અને આવનાર જનમેદનીને બેસવાં માટે કુલ ૮ લાખ ચોરસ ફુટમાં ડોમ બાંધવામાં આવ્‍યો છે. જેમાં ૬,૫૦,૦૦૦ ફૂટનો મુખ્‍ય જર્મન ડોમ અને તેની બાજુની બંને સાઇડમાં કુલઃ ૧,૫૦,૦૦૦ ચો.ફુટમાં બીજા ડોમની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

લોકો માટે ડોમમાં ૧,૮૦૦ પંખા, ૬૦ એલ.ઇ.ડી. લગાવવામાં આવી છે. જેથી બેઠા બેઠા જ લોકો જોઇ શકે. આ એલ.ઇ.ડી. સ્‍ક્રિન પણ મોટા લગાવવામાં આવ્‍યાં છે. આ ઉપરાંત ટેન્‍ટ કુલરની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

જવાહર મેદાનના કુલ ૨૪,૭૪,૦૦૦ ચો.ફુટમાં બેસવાં, પાણી, સેનિટેશન અને પાર્કિંગ સહિતની વ્‍યવસ્‍થાઓ ઉભી કરવામાં આવી છે.

વહીવટી તંત્ર દ્વારા રાત-દિવસ કરીને આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સભા સ્‍થળે સૂલેહ અને શાંતિ જળવાઇ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્‍ત પણ કરવામાં આવ્‍યો છે.

બેસવાની વ્‍યવસ્‍થા કલર કોડ સાથે દરેક બેઠક વ્‍યવસ્‍થા સુનિશ્ચિત કરવામાં આવી છે. મીડિયાને કવરેજ કરવાં માટે પણ ઇન્‍ટરનેટ કનેક્‍શન, રાઇઝર સહિતની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

તંત્ર દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓને વિવિધ વ્‍યવસ્‍થાઓની જવાબદારી સોંપવામાં આવી છે અને આ અધિકારીઓ સતત તેમની કામગીરીનું નિરીક્ષણ કરીને તેમની કામગીરીને આખરી ઓપ આપી રહ્યાં છે.

આજે સવારે જવાહર મેદાન ખાતે કલેક્‍ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડા ડો. રવિન્‍દ્ર પટેલ, ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ. આર. બી. બારડ, નિવાસી અધિક કલેક્‍ટર બી.જે. પટેલે ઉપસ્‍થિત પ્રાંત અધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને પોલીસ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને વ્‍યવસ્‍થા અને સંકલન અંગે જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.(૨૨.૧૫)

વડાપ્રધાનના નિમંત્રણ કાર્ડ અંતરિયાળ ગામ લોકો સુધી પહોંચ્‍યા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૮: વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી ભાવનગરને આંગણે પધારી રહ્યાં છે ત્‍યારે તેમના કાર્યક્રમમાં પધારવાં માટેના નિમંત્રણ કાર્ડ ભાવનગર જિલ્લાના ગામેગામ પહોંચતાં કરવામાં આવ્‍યાં છે.

છેવાડાનો માનવી પણ વડાપ્રધાનશ્રીની સભામાં આવી શકે તે માટે વ્‍યક્‍તિગત નામ જોગ કાર્ડનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાનશ્રીને ભાવનગરની ધરતી પર પગ મૂકવાની આલબેલ નજીકમાં છે ત્‍યારે રાત્રીના સમયે પણ દરેક ગામ સુધી વડાપ્રધાનશ્રીના કાર્યક્રમના નિમંત્રણ કાર્ડ પહોંચાડવામાં આવી રહ્યાં છે. લોકો સાથે તંત્ર પણ વડાપ્રધાનશ્રીને ભાવેણાની ધરતી પર આવકારવાં માટે આતુર છે તેનું આ ઉદાહરણ છે.

(3:33 pm IST)