Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

મોરબી પાલિકામાં ૪૫-ડી હેઠળ થયેલા કામોની તપાસ કરો : કોંગ્રેસની માંગ.

પાલિકાનું સ્વ ભંડોળ ક્યાં વપરાયું, સુપરસીડ થઇ તે પૂર્વે ક્યાં કામો થયા તેની તપાસની માંગ કરવી જોઈએ તેવી માંગ સાથે ચીફ ઓફિસરને રજૂઆત

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : હાલ મોરબી નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક હોય અને નાગરિકોને કરવેરા ભરી દેવા માટે થોડા સમય પૂર્વે અપીલ કરવામાં આવી હતી તેમજ પાલિકા તંત્ર કાયદાનો દંડો ઉગામીને કર વસુલાત કરી રહ્યું છે ત્યારે પાલિકાનું સ્વ ભંડોળ ક્યાં વપરાયું, સુપરસીડ થઇ તે પૂર્વે ક્યાં કામો થયા તેની તપાસની માંગ કરવી જોઈએ તેવી માંગ સાથે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે

   મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ધારાસભ્ય, પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસરના અખબારી નિવેદનો આવે છે કે પાલિકાની તિજોરી તળિયા ઝાટક છે લોકોએ કરવેરા ભરી દેવા જોઈએ જે ખરી વાત છે પરંતુ નગરપાલિકા લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે બત્રીસ કરોડ જેવું સ્વભંડોળ હતું તે ક્યાં વપરાયું તેની તપાસ કરવામાં આવી નથી
   મોરબી પાલિકામાં ૪૫ ડી હેઠળ જે કામ કરવામાં આવ્યા તેમાં ઘણા કામ થયા નથી તેના બીલ ચૂકવાઈ ગયા છે તેવી લોકોની ફરિયાદ છે ૪૫ ડી હેઠળ ૧૦૦ ટકા કામ કર્યું હોય તો પણ ગેરકાયદેસર છે કારણકે મોરબી શહેરમાં કુદરતી કે માનવ સાજિત કોઈ આપત્તિ આવી નહોતી કે પાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજી ના સકાય છતાં ૪૫ ડી હેઠળ જે કામ કરવામાં આવ્યા તેની તપાસ કરવામાં આવે અને વાપરેલી ગ્રાન્ટની રકમ વસુલવામાં આવે
    ઝૂલતો પુલ તુટ્યો તે પૂર્વે નગરપાલિકાએ જે કામ કર્યા તેના ફળ કે સુવિધા શહેરની જનતાને મળી નથી ૫૨ બેઠક જીતીને ભાજપે ચાર્જ સંભાળ્યો ત્યારથી બોડી સુપરસીડ થઇ ત્યાં સુધી કરેલા વિકાસ કામોની તપાસ કરવામાં આવે અને કોઈ રીતે સુવિધાયુક્ત ના હોય તેવા કામોના ચુકવણાના બીલની રકમ વસુલ કરવામાં આવે તેમજ આવી એજન્સીઓને બ્લેક લીસ્ટ કરવામાં આવે તે જરૂરી છે
   શહેરમાં પંચાસર રોડ, રવાપરમાં આરસીસી રોડની કામગીરી થઇ રહી છે ઉપરાંત અન્ય કામો થઇ રહ્યા છે જે કામની વિગત દર્શાવતું બોર્ડ લગાવ્યું નથી જેથી રજૂઆતને ગંભીરતાથી ધ્યાને લઈને ગેરકાનૂની રીતે થયેલ ગ્રાન્ટની વસુલાત કરવામાં આવે આ રજૂઆતને નજરઅંદાજ કરવામાં આવશે તો શહેરની જનતા અને કાર્યકરોને સાથે લઈને જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

   
(11:17 pm IST)