Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોમન એન્ટ્રસ ટેસ્ટ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા તા.૩૦ માર્ચના યોજાશે

પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે ઉદ્દેશ્યથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

 દેવભૂમિ દ્વારકા:કોમન એન્ટ્રસ ટેસ્ટ-૨૦૨૪ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ-૨૦૨૪ની પરીક્ષા તા.૩૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજાનાર છે. જે પરીક્ષા દરમ્યાન ચોરીઓના દુષણના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. આ ચોરીના દુષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓને માનસિક પરિતાપ થવાની સંભાવના છે.

 આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તથા 'કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુથી ઇ.ચા. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકાને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલી સત્તાની રૂએ કોમન એન્ટ્રસ ટેસ્ટ- ૨૦૨૪ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ-૨૦૨૪ની પરીક્ષાના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના હદ વિસ્તારમાં તા.૩૦-૦૩-૨૦૨૪ના રોજ સવારના ૧૦:૩૦ કલાકથી બપોરના ૧૭:૩૦ કલાક સુધી કોપીયર મશીન દ્વારા ઝેરોક્ષ અને કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી/અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોએ તેઓના કોપીયર મશીનો બંધ રાખવા તેમજ પરીક્ષા કેન્દ્રમાં કોઈએ (સરકારી પ્રતિનિધિ સિવાય) મોબાઈલ ફોન કે અન્ય કોઈ કોમ્યુનિકેશનના ઈલેક્ટ્રોનિકસ સાધનો/ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

  આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર ઠરશે.

(1:04 am IST)