Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

જુનાગઢમાં ૪,૫૦૦ ની કિંમતના સામાનની ખોવાયેલ થેલી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસે ૧ કલાકમાં શોધી આપી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૮

જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરીને "પોલીસ પ્રજાનો મિત્ર છે"એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે.

અરજદાર કમલેશભાઇ હોલારામભાઇ સાદીજા જૂનાગઢના વતની હોય, કમલેશભાઇ જરૂરી કામ સબબ વંથલી જતા હોય કમલેશભાઇ ગીરીરાજ સોસાયટીથી બસ સ્ટેશન જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ. બસ સ્ટેશન પાસે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમની રૂ. ૪,૫૦૦/- ની કિંમતના સામાનની થેલી ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય, જે થેલીમાં તેમના કપડા તથા અન્ય જરૂરી સામાન હોય કમલેશભાઇએ તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેમને તે ઓટો રિક્ષા મળેલ નહિ, હવે આગળ શું કરવું?? ઓટો રિક્ષા કેવી રીતે શોધવી? કોની મદદ લેવી? તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

         જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ રાહુલભાઇ મેઘનાથી, હરસુખભાઇ સિસોદીયા, ગિરીશભાઇ કલસરીયા, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી કમલેશભાઇ સાદીજા જે સ્થળે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા કમલેશભાઇ પોતાની રૂ. ૪,૫૦૦/- ની કિંમતના સામાનની થેલી જે ઓટો રિક્ષામાં ભુલી ગયેલ હોય તે ઓટો રિક્ષાનો રજી. નં. GJ-11-Z-7003 શોધેલ છે.

     જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે થેલી તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા કમલેશભાઇ સાદીજાની રૂ. ૪,૫૦૦/- ની કિંમતના સામાનની થેલી શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને કમલેશભાઇએ જણાવેલ કે તેમને આ થેલી પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ થેલી શોધી આપતા તેણે જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

     જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા કમલેશભાઇ હોલારામભાઇ સાદીજાની રૂ. ૪,૫૦૦/- ની કિંમતના સામાનની થેલી ફક્ત ૧ જ કલાકમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.

(11:42 am IST)