Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

જામનગરના સીટી એન્‍જીનીયર જાનીને વોર્ડ ૭ના કોર્પોરેટર પતિ તેજસી પારિયાએ ખંડણી માંગી ખૂનની ધમકી આપી : ચકચાર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૮ : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ભાવેશભાઈ નટવરલાલ જાની, ઉ.વ.પ૦, રે. પટેલ કોલોની શેરી નં.૧૦, રોડ-૩, શ્‍યામકુટીર ટેનામેન્‍ટ બ્‍લોક નં.ર૮ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ભાવેશભાઈ મહાનગરપાલિકાના સીટી એન્‍જીનીયરની કચેરીમાં નોકરી કરતા હોય અને આરોપી તેજશી ઉર્ફે દિપુભાઈ વાલજીભાઈ પારીયાએ ફરીયાદી ભાવેશભાઈની ચેમ્‍બરમાં જઈ વોર્ડ નં.-૭ ની ઈમ્‍પેકટ ફીની ફાઈલ કલીરીંગ કરી આપવાની ધાક-ધમકી આપી કહેલ કે હુ પુર્વ કોર્પોરેટર છુ અને હાલમાં મારી પત્‍ની કોર્પોરેટર છે તમારે મહાનગરપાલિકામાં સારી રીતે નોકરી કરવી હોય તો દર મહિને એક લાખનો હપ્‍તો(ખંડણી) આપવો પડશે અને એકદમ ઉશ્‍કેરાઈ જઈ ફરીયાદી ભાવેશભાઈના શર્ટનો કાઠલો પકડી કહેલ કે હારૂન પાલેજાના ખુન થયેલ છે તેમ તમારુ ખુન કરાવી નાખવાની અને ખોટા એટ્રોસીટી ના કેસમાં ફસાવી દેવાની ધાક-ધમકીઓ આપી ગાળો બોલી બળજબરીથી પૈસા પડાવવાની કોશીષ કરી ફરીયાદી ભાવેશભાઈની કાયદેસરની ફરજ દરમ્‍યાન વ્‍યથા કરી ગુનો કરેલ છે. આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.

જમીનના કેસ બાબતે વકીલ પર હુમલો

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં અનીલભાઈ રવજીભાઈ પણસારા, ઉ.વ.૩૧, રે. પ્રશાંતી ફલેટ નં.બી-૧૦૧, મુજકા નવો ૧પ૦ રીંગ રોડ, રાજકોટવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપીઓ મહીપતસિંહ કલુભા જાડેજા, નારદભાઈ કેશવજીભાઈ સંઘાણી એ અને ફરીયાદી અનીલભાઈએ જમીન બાબતે કોર્ટમાં દાવો દાખલ કરેલ હોય તેનો ખાર રાખી હરીપર ગામે વાડી વિસ્‍તારમાં લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

શંકર ટેકરીમાં આંકડા લખતા બે ઝડપાયા

અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હોમદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા એ ફરીયાદ નોધાંવી છે કે, શંકરટેકરી નવી નીશાળ પાસે આરોપી નુરશાહ અકબરશાહ શાહમદાર, કારૂશા નુરશા શાહમદાર એ વર્લીમટકાના આંકડા લખી  રૂ.ર૩૬૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

લાલપુરમાં આંકડા લખતો ઝડપાયો

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. પ્રવીણભાઈ કરશનભાઈ બૈડીયા એ ફરીયાદ નોધાંવી છે કે, લાલપુરમાં સામા કાઠે મઢુલી હોટલ પાસે જાહેરમાં આરોપી કાદરભાઈ ઉર્ફે બાબો ગફારભાઈ ખેરાણી મેમણ એ વર્લીમટકાના આંકડા લખી  રૂ.૬૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂની ત્રણ બોટલ સાથે ઝડપાયો

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. જયપાલસિંહ સુરેન્‍દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, વંડપાંચસરા ગામે બાપા સીતારામ મઢુલી પાસે આરોપી રાજદીપસિંહ લગધીરસિંહ જાડેજા દારૂની બોટલ નંગ-૩, કિંમત રૂ.૧પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

ગુલાબનગરમાં દારૂની સાત બોટલ સાથે શખ્‍સ ઝડપાયો

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રાણાભાઈ વેજાણંદભાઈ આંબલીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ગુલાબનગર શિવમ ચોક પાસે આરોપી જગદીશ ઉર્ફે ડેની બાબુલાલ પરમાર એ દારૂની બોટલ નંગ-૭, કિંમત રૂ.૧૭પ૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

(11:54 am IST)