Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

પોરબંદરમાં હીટવેવ : ઉડતા ઉડતા નીચે પટકાતા વિદેશી મહેમાન પક્ષીઓ

વિદેશી પક્ષીઓ ૩૦ ડીગ્રીથી વધુ ગરમી સહન કરી શકતા નથીઃ શિયાળામાં આવતા વિદેશી પક્ષીઓમાંથી કેટલાક પક્ષીઓએ રમણીય દરીયાઇ કાંઠાને કાયમી રહેઠાણ બનાવ્‍યું

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૮: બે દિવસથી ગરમી વધતા હીટ વેવને કારણે વિદેશથી મહેમાન બનીને આવેલા પક્ષીઓ હવામાં ઉડતા ઉડતા નીચે પડી જતા જોવા મળી રહયા છે. બપોરના સમયમાં વિદેશી પક્ષીઓ હવામાંથી નીચે પડતા જોવા મળે છે.

પક્ષીપ્રેમી ડો.સિધ્‍ધાર્થ ગોકાણીએ જણાવેલ કે લાખો કિલોમીટર દુર ઠંડા પ્રદેશમાંથી દર શિયાળામાં વિવિધ વિદેશી પક્ષીઓ પોરબંદરના રમણીય દરીયા કાંઠા વિસ્‍તારના મહેમાન બને છે. શિયાળો પુરો થતા આ વિદેશી પક્ષીઓ પરત વતનમાં ચાલ્‍યા જાય છે. પરંતુ કેટલાક વિદેશી પક્ષીઓ પોરબંદર દરીયાકાંઠાની રમણીયતાને લીધે પોરબંદર દરીયાકાંઠા વિસ્‍તારમાં કાયમી રહેણાંક બનાવી દીધું છે.

વિદેશી મહેમાન પક્ષીઓ ૩૦ ડીગ્રીથી વધુ ગરમી સહન કરી શકતા નથી અને શહેરમાં બે દિવસથી ૩૦ ડીગ્રીથી વધુ તાપમાન થઇ જતા બરડાના મીયાણી અને ભાવપરા સહીત વિસ્‍તારોમાં ગરમીને લીધે હવામાં ઉડતા વિદેશી પક્ષીઓ બેભાન થઇ નીચે પડતા જોવા મળે છે. વિદેશી પક્ષીઓની આવી હાલતથી પક્ષીપ્રેમીઓમાં ચિંતા વધી છે.

(1:00 pm IST)