Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

જસદણના કાળાસર ગામની નિમુબેન હત્યા કેસમાં પકડાયેલ આરોપીને જામીન પર છોડવા કોર્ટનો આદેશ

રાજકોટ તા. ર૯ : જસદણ તાલુકાના કાળાસર ગામમાં થયેલ ખુનના ગુન્હામાં પકડાયેલ આરોપીની જામીન અરજી સેસન્સ કોટે મંજુર કરી હતી.

આ બનાવની વિગત જોઇએ તો જસદણ તાલુકાના મોજે ગામ કાળાસર મુકામે તા.૧૩/૪/ર૦ર૦ ના રોજ ફરીયાદીના કહેવા મુજબ ફરીયાદી ધનજીભાઇ વીરજીભાઇ દુમાદીયાની બહેન બળધોઇ ગામે બળદેવભાઇ લખુભાઇ મેવાસીયા સાથે પરણાવેલ હતી પરંતુ બનાવના ચાર દિવસ પહેલા ફરીયાદીના મોબાઇલ ફોન પર રેખાબેનનો ફોન આવતા તેઓએ ફરીયાદીને જણાવેલ કે તેમના પતિ બળદેવભાઇ તેમને ખોટી રીતે હેરાન કરી તેમની સાથે મારકુટ તથા માથાકુટ કરે છે તેથી ફરીયાદીનો ભાઇ મુનાભાઇ તથા ફઇનો દિકરો રમેશભાઇ મોહનભાઇ સાકળીયા બળધોઇ ગામેથી રેખાબેનને તેડી લાવેલ હતા અને ત્યારથી રેખાબેન તેમના પિયરીએ રહેતા હતા.

ફરીયાદી તેમના પરીવાર સાથે વાડીએ સુતેલ હતા ત્યારે બળદેવભાઇ લખુભાઇ મેવાસીયા તેમનું મોટર સાયકલ લઇ વાડીએ આવેલ અને કહેલ કે વિશાલ કયા છે તો ફરીયાદીએ કહેલ કે સુતેલ છે ત્યારે આરોપીએ જણાવેલ કે હુ તારી બહેન રેખા અને વિશાલને તેડવા આવેલ છું તેવું જણાવતા ફરીયાદીના મોટાબેન નીમુબેન જાગી જતા તેઓએ આરોપી બળદેવભાઇને જણાવેલ કે રેખાને હમણા નથી મોકલવી તમે રેખાને ખોટી રીતે નકરી હેરાન કરો છો તેમ કહેતા આરોપી જે ખાટલે બેઠા હોય તે ખાટલામાંથી ઉભા થઇ તેના પગમાંથી એક કાતરનો ધારદાર વાઉ લોખંડનું પાંખીયુ જે બહાર કાઢતા ફરીયાદી તેવુ જોઇ જતા ફરીયાદી આરોપી સાથે ગયેલ ત્યારે આરોપીએ કાંઇ બોલ્યા ચાલ્યા વગર ડાબા ખંભા ઉપર એક ઘા મારેલ અને બે ત્રણ ઘા ડાબા હાથની હથેળીમાં તથા કાંડા ઉપર ઘા કરેલ તે સમયે ફરીયાદીના બહેન નીમુબેન ફરીયાદીને બચાવવા માટે વચ્ચે પડતા નીમુબેનને આરોપી બળદેવભાઇએ ગળાના ભાગે તથા છાતીના ભાગે ઘા કરતા નીમુબેન નીચે પડી ગયેલ ત્યારબાદ ફરીયાદીના પત્ની ગીતાબેન તથા રેખાબેન બધા વચ્ચે પડતા આરોપી તેમનું મોટરસાયકલ લઇ જતા રહેલ ત્યારબાદ આજુબાજુમાં દેકારો થતા પાડોશી આવી ગયેલ અને ફરીયાદીના મોબાઇલમાંથી તેમના ફઇના દિકરા જયસુખભાઇ મોહનભાઇ સાકળીયાએ ૧૦૮ ને ફોન કરતા ૧૦૮ એમ્બ્યુલન્સ આવી ઇજા પામનાર તમામ વ્યકિતઓને જસદણ સરકારી હોસ્પિટલે લાવેલ જયાં ડોકટરે દર્દીઓને તપાસ કરતા ફરીયાદીના બહેન નીમુબેનનુ મરણ થયેલ હોય તેવું જાહેર કરેલ.

ઉપરોકત બનાવના આધારે જસદણ પોલીસે ધનજીભાઇ વીરજીભાઇ દુમાદીયાની ફરીયાદના આધારે આઇ.પી.સી.કલમ-૩૦ર, ૩ર૪, તથા જી.પી.એકટ ૧૩પ હેઠળ ફરીયાદ નોંધાયેલ, જેથી આરોપી બળદેવભાઇ લખુભાઇ મેવાસીયાની ધરપકડ કરી જેલ હવાલે કરેલ સદરહું ગુન્હાના કામે ચાર્જશીટ થઇ જતા સેસન્સ કેસ દાખલ થયેલ છે.

સદરહું કામે આરોપીએ રેગ્યુલર જામીન મેળવવા રાજકોટના સેસન્સ જજ સમક્ષ અરજી કરેલ છે, જે અરજીમાં આરોપીના એડવોકેટએ કરેલી દલીલોને ધ્યાને લઇને સેસન્સ અદાલતે જામીન અરજી મંજુર કરી હતી.

આ કામાં આરોપી વતી એડવોકેટ કૌશિક જે. આચાર્ય, મિતુલ જે આચાર્ય, નિરલ રૂપારેલીાય, કેયુર રૂપારેલીયા, કૌશીષ સોઢા તથા ચિરાગ ત્રેટીયા રોકાયા હતા.

(11:34 am IST)