Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

દ્વારકા જિલ્લામાં પેસેન્જર વાહન થકી આત્મનિર્ભરતા તરફ આગળ વધતી સ્વસહાય જૂથની મહિલાઓ

દેવભૂમિ દ્વારકા,તા. ૨૯: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ મહિલાઓમાં રહેલ આંતરિક શકિત ઉજાગર થાય અને મહિલાઓ જૂદા-જૂદા વ્યવસાય થકી રોજગારી મેળવી આત્મનિર્ભર બને તે માટે સ્વસહાય જૂથો બનાવી તેમને તાલીમ, ક્ષમતાવર્ધન અને માર્કેટીંગ સહકાર પુરો પાડવા માટે દિન-દયાલ અંત્યોદય યોજના હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અમલીકરણ હેઠળ છે. જેમાં ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની હેઠળ દેવભૂમિ દ્વ્રારકા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી  દ્વારા આ યોજનાની કામગીરી કરવામાં આવી રહી છે.

જે અન્વયે દેવભૂમિ દ્વારકા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વાય. ડી. શ્રીવાસ્તવના નૈતૃત્વ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. આજીવિકા ગ્રામીણ એકસપ્રેસ યોજના અંતર્ગત મહિલા સ્વસહાય જૂથોને પેસેન્જર, માલ-સામાન અને  પરિવહન તેમજ સ્કૂલ વાન તરીકે વાહન ખરીદીને આજીવિકા પૂરી પાડવાની આ યોજના હેઠળ જિલ્લાના ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામના શિવ-શકિત સ્વસહાય જૂથ દ્રારા ઇકો વાનની ખરીદી કરવામાં આવી હતી. જેમાં આજીવિકા ગ્રામીણ એકસપ્રેસ યોજના અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ડે-એન.આર.એલ.એમ. હેઠળ ગ્રામ સંગઠન મારફત સ્વસહાય જૂનને રૂ.૨,૦૦,૦૦૦ની વગર વ્યાજની લોન ફળવવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે, ભાણવડ તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. જે. જાડેજાના હસ્તે આ ઈકો વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાણવડ તાલુકા વિકાસ અધિકારીશ્રી એસ. સી. ભટ્ટ, ભાણવડ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી માલદેભાઈ રાવલીયા તેમજ સ્વસહાય જૂથની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

આ અંગે શિવ-શકિત સ્વસહાય જૂથના પ્રમુખશ્રી જલ્પાબેને આ યોજનાથી મળેલ સહાયના કારણે અમે રોજગારી માટે વાન ખરીદી શકયા છીએ અને હવે અમે ભાડા કરી નિયમિત રોજગારી મેળવી શકીશું તેમ વધુમાં જણાવ્યું હતું.

(11:57 am IST)