Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

કચ્છના મુસ્લિમ સમાજ દ્વારા શિફા સર્જિકલ હોસ્પિટલનો પ્રારંભ કરાશે

નવી હોસ્પિટલ બને તે પૂર્વે દર્દીઓ માટે સારવારની વ્યવસ્થા, ત્રણ વર્ષમાં ભુજમાં ૨૫ કરોડને ખર્ચે નવી હોસ્પિટલ બનાવવાનું આયોજન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨૯: ભુજ ખાતે કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલ ટ્રસ્ટની મીટિંગ મળી હતી જેમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે ટ્રસ્ટનો મુખ્ય ધ્યેય રપ કરોડનું પ્રોજેકતટ પ્રારંભિક તબક્કામાં ઝડપભેર આગળ ધપી રભે છે અને તેને સંપન્ન થતાં ત્રણેક વર્ષનો સમય લાગશે તે દરમ્યાન ભુજમાં મેડિકલ સેવાઓ ઉપલબ્ધ રહેવી જોઈએ. આ મકસદ સાથે માસ જુલાઈથી ભુજમાં સુમરા ડેલી ત્રણ રસ્તા પાસે આવેલ ડો. રિયાઝ ખોજાણીની સર્જિકલ હોસ્પિટલનું સંચાલન ટ્રસ્ટ સંભાળેલ છે.

આ સર્જિકલ હોસ્પિટલમાં તમામ મેડિકલ સારવાર અને દવાઓ રાહત દરે આપવામાં આવશે. આ હોસ્પિટલમાં OPD ૧ જુલાઈથી શરૂ થઈ જશે જેમાં કન્સલ્ટિંગ સર્જન (M.S.) અને એક M.B.B.S. તબીબ પોતાની સેવાઓ આપશે. જુલાઈ માસમાં જ ઓપરેશન થીયેટર શરૂ થઈ જશે, પ્રસૂતિ વિભાગ શરૂ થઈ જશે અને બાળરોગ નિષ્ણાંતની સેવાઓ ઉપલબ્ધ થઈ જશે.

કોરોનાની બીજી લહેર પરાકાષ્ટાએ હતી ત્યારે કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલ દ્વારા મુસ્લિમ હાઈસ્કૂલ, ખારસરા ગ્રાઉન્ડ – એરપોર્ટ રોડ, ભુજ ખાતે હંગામી કોવિડ સેન્ટર અને મફત OPD, દવાઓ, સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. હાલે કોરોનાની સ્થિતિ શાંત પડી ગઈ છે તેથી મુસ્લિમ હાઈસ્કૂલ સ્થિત હંગામી કોવિડ સેન્ટર અને OPDને વિરામ આપવામાં આવેલ છે.

મુસ્લિમ હાઈસ્કૂલ ખાતે અત્યાર સુધી ર૦૬ દર્દીઓએ OPDનો લાભ લીધો તેમજ ૪૦ દર્દીઓએ કોવિડ સેન્ટરનો લાભ લીધો છે. તા. ર૧–૬ પછી કોવિડ સેન્ટરમાં એકપણ દર્દી સારવાર હેઠળ નથી અને આ સપ્તાહથી કચ્છમાં કોવિડના નવા કેસ દસથી નીચે રહ્યા છે.

ઉલ્માએ કિરામની ઉપસ્થિતિમાં તા. ૪–૭–ર૧ ના રોજ હોસ્પિટલ નવા સંચાલનના પ્રારંભ સમયે ખૈર વ આફિયત અને દુઆનો એક કાર્યક્રમ આમંત્રિતો માટે રાખવામાં આવેલ છે.

ટ્રસ્ટની મીટિંગ હાજીઆદમ બી. ચાકીના અઘ્યક્ષસ્થાને મળી હતી જેમાં હાજી યુસુફ ખત્રી (ગાંધીધામ), હાજી સલીમ જત (મુંદરા), ઈસ્માઈલ સોનેજી, યુસુફ જત, હાજી યાકુબ સોનારા, હાજી અ.કરીમ મેમણ, હાજી સલીમ મેમણ (નલીયા) ઉપસ્થિત રભ હતા.

(11:21 am IST)