Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

આખો દિ' ધુપ-છાંવ સાંજે કોઇ જગ્યાએ વરસી જતો વરસાદ

ગોહિલવાડમાં રાત્રે વિજળીના કડાકા - ભડાકા સાથે અડધાથી અઢી ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ : ગઇકાલે રાજકોટ, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં વરસ્યો

પ્રથમ તસ્વીરમાં આટકોટ પંથકમાં ખેતરોમાં વરસાદી પાણી, બીજી તસ્વીરમાં વિંછીયામાં વરસેલ વરસાદ, ત્રીજી તસ્વીરમાં ગોંડલ અને ચોથી તસ્વીરમાં જસદણમાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીર : કરશન બામટા - આટકોટ, પિન્ટુ શાહ - વિંછીયા, ભાવેશ ભોજાણી - ગોંડલ, હુસામુદ્દીન કપાસી - જસદણ)

રાજકોટ તા. ૨૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મિશ્ર હવામાનનો માહોલ યથાવત છે અને દરરોજ સાંજના સમયે મેઘરાજા સાર્વત્રિકના બદલે કોઇ - કોઇ જગ્યાએ વરસી જાય છે.

ગઇકાલે પણ સાંજના સમયે રાજકોટ, અમરેલી અને જૂનાગઢ જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

આજે સવારથી ધુપ-છાંવનો માહોલ યથાવત છે અને પવન પણ ફૂંકાઇ રહ્યો છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગરમાં મોડી રાત્રે વીજળીના કડાકા - ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડયો છે. જિલ્લામાં અર્ધાથી અઢી ઇંચ વરસાદ પડયો છે.  ભાવનગર મેઘરાજાએ જાણે મોડી રાત્રે જ બઘડાટી બોલાવવાનું નક્કી કર્યું હોય તેમ રવિવારની મોડી રાત્રી બાદ સોમવારની મોડી રાત્રે પણ વાવાઝોડા અને વીજળી સાથે ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. છેલ્લા બે રાત્રી દરમિયાન તીવ્ર પવન અને વિજળીના કડાકા - ભડાકા સાથે વરસાદ તૂટી પડે છે. જ્યારે દિવસ દરમિયાન વરસાદ પડતો નથી.  ભાવનગરમાં ૩૨ મીમી, ઘોઘામાં ૬૨ મીમી, મહુવામાં ૪૪ મીમી, ગારીયાધારમાં ૩૨ મીમી, પાલીતાણામાં ૧૯ મીમી, જેસરમાં ૧૪ મીમી, ઉમરાળામાં ૧૨ મીમી અને વલ્લભીપુરમાં ૧૧ મીમી વરસાદ નોંધાયો છે.  મોડી રાત્રે વરસાદથી લોકોને ઉજાગરા થાય છે જ્યારે દિવસે પરસેવાથી લોકો ભીંજાય છે.

જસદણ

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ : જસદણ પંથકમાં કાલે સાંજે ચાર કલાકે જાણે આકાશે કાળી ચાદર ઓઢી હોય એવા અંધારા વચ્ચે વીજળીના ગડગડાટ અને પવનના સૂસવાટા વચ્ચે વરસાદ શરૂ થતાં ધરતીપુત્ર આનંદથી ઝૂમી ઉઠયા હતા. સખત ઉકળાટ બાદ આજે જસદણ - આટકોટ સહિતના બાર જેટલા ગામોમાં વરસાદનો ધમાકેદાર પ્રારંભ થતાં ઉકળાટથી ત્રાહિમામ લોકોને ઠંડક મળી હતી. ખાસ કરીને આ વરસાદ ખેડૂતોને લાભકારી બન્યો હતો.

ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ગોંડલ શહેર પંથકમાં દિવસ દરમ્યાન વાદળ છાયા વાતાવરણ વચ્ચે ગરમીનો પારો ઉંચો રહ્યા બાદ બપોરના સુમારે અચાનક ગાજવીજ સાથે મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરતા અડધો ઇંચ વરસાદ વરસી જવા પામ્યો હતો વરસાદના પગલે રાજમાર્ગો ઉપર પાણી વહેવા લાગ્યા હતા ગરમીમાં રાહત મેળવવા શહેરીજનો વરસાદમાં ન્હાવા નીકળી પડ્યા હતા.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટ : આટકોટમા વરસાદ ગાજવીજ સાથે એક ઈચ વરસાદ પડતાં ખેડુતો મા આનંદ ની લાગણી ફેલાઈ ગઈ હતી વાવણી પછી મેઘરાજા હાઊકલી કરી ગયા હતા ત્યારે ખેડુતોના જીવ તાળવે ચોટી ગયા હતા. મોંઘુ બિયારણ નિષ્ફળ જાય તેવી દહેશત હતી પણ આખો દિવસ ગરમી અને ઉકળાટ લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા ત્યારે બપોરે વિજળીના કડાકા ભડાકા સાથે એક ઈચ વરસાદ પડતાં ખેડુતો આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. વીરનગર ખારચીયા ચીતલીયા સહિતના આજુબાજુ વરસાદ પડ્યો હતો.

વિંછીયા

(પીન્ટુ શાહ દ્વારા) વિંછીયા : અહીં વિંછીયા તથા પંથકમાં વહેલી પરોઢથી જ મેઘ મહારાજા મહેરબાન થયા છે. સવાર, બપોર, સાંજ એમ ત્રણ વાર ઝાપટારૂપી વરસાદથી અંદાજિત પોણો થી એકાદ ઇંચ વરસાદ વરસી ગયો છે. જેને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પ્રથમ વરસાદ એજ સપના પાન પાસે મીની તલાવડી ભરાઈ ગઇ હોય તેવુ દેખાઇ છે. વિંછીયા -જસદણ પટ્ટીમાં કાલે ધોધમાર વરસાદ પડી ગયો હતો.

(12:37 pm IST)