Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

પ્રજા માટે આપે લોહી-પાણી એક કરી નાંખ્‍યુઃ સેવાકીય-પુરૂષાર્થની ગાથા ગામડે ગામડે ગુંજે છે

પૂજય પિતાશ્રી,

આજે આપની વિદાયને એક વર્ષ પૂર્ણ થયું છે ત્‍યારે આપની વિરાટ સ્‍મૃતિઓ મારા મન,હૃદયને વ્‍હાલપથી ભીંજવી રહી છે.આપના દૈવી આશીર્વાદથી હું અહર્નિશ આપની હયાતીનો અહેસાસ કરી રહ્યો છું.

મારી જાહેરજીવનની, ઉંબરે દસ્‍તક દેતી ઉંમરમાં આપ મને પાપા પગલી કરાવતા રણમેદાને લઇ તો ગયા, પણ જાણે મને સક્ષમ બનાવવા જ અનંતની વાટે ઉપડી ગયા હો એમ આપે અણધારી વિદાય લીધી.આપની ગેરહાજરીથી હું સાવ રાંક બની ગયો હોઉં એવું અનુભવાયુ.પણ, આપના છૂપા અપાર આશીર્વાદ મારી સાથે હતા.પરિણામ સ્‍વરૂપ આપની ગેરહાજરીમાં ૨૦૧૭ નો કઠિન રાજકીય જંગ લડીને હું જવલંત વિજય મેળવી શક્‍યો. મારા એ ઐતિહાસિક વિજયનું શ્રેય હું આપશ્રીના ચરણોમાં મુકું છું.તાજેતરમાં સંપન્ન થયેલી રાજકોટ જિલ્લા ડિસ્‍ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્‍કની તમામ ૧૭ બેઠકોની ચૂંટણી હું બિનહરીફ કરાવી શક્‍યો એમાં પણ આપના દૈવી આશીર્વાદ જ મારૂં છત્ર બન્‍યા હોવાનું હું દૃઢપણે માનું છું.જામકંડોરણા ખાતેના છઠ્ઠા શાહી સમૂહલગ્ન હોય કે હરિદ્વાર ખાતેના સમાજભવનનું કાર્ય હોય, હંમેશા આપના દિવ્‍ય આશિષ મારૂં રક્ષાકવચ બનીને મારી સાથે રહ્યા છે.

આપનો પ્રેમ અને આપના સદાકાળ વીરતાભર્યા વ્‍યક્‍તિત્‍વની અમીટ છાપ છત્રછાયા બની, મને રાજકીય, સામાજિક, સહકારી અને માનવીય કાર્યો માટે સતત પ્રેરિત કરી રહી છે.આજે આપની પ્રથમ પૂણ્‍યતિથિ નિમિત્તે હું આપના જીવનકાળ તરફ નજર નાંખુ છું તો અચંબિત થઈ જાઉં છું.

આપ પોતીકી આવડત, કોઠાસૂઝ અને આત્‍મબળના સહારે લાખો ખેડૂતો,હજારો કુટુંબો માટે આત્‍માનો બુલંદ અવાજ બની દાયકાઓ સુધી મસીહારૂપે છવાયેલા રહ્યા.આપની અપાર લોકચાહનાને નજીક કે દૂરના ભવિષ્‍યમાં પણ કોઈ આંબી શકવા સમર્થ હોય એવું હું નથી માનતો.

આપની વ્‍યવહારકૂશળતા અને સમાજ પ્રત્‍યેના પ્રેમનો જોટો જડે એમ નથી.ગરીબ, પીડિત, શોષિત અને જરૂરિયાતમંદ પરિવારોની સેવા કાજે આપે રાતદિવસ એક કર્યા છે.પ્રજા માટે આપે લોહીનું પાણી કરી નાંખે એવો પરિશ્રમ કર્યો છે.આપના સેવાકીય ભવ્‍ય પુરુષાર્થની ગાથા સમગ્ર સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં ગામડે ગામડે ગવાઈ રહી છે.

આપે ગામડાની ગરીબ દીકરીઓના શિક્ષણ માટે બેનમૂન શિક્ષણતીર્થો બનાવ્‍યા છે.હજારો દીકરીઓના કન્‍યાદાન કરી આપ એમના પાલક પિતા બન્‍યા છો.ઠેર ઠેર સમાજભવનો બનાવી આપે સમાજસેવાનો ઉત્તમ દાખલો બેસાડ્‍યો છે.ગાયોની સેવા કરી આપ શ્રીનાથજી બાવાની અસીમ કૃપાને પામ્‍યા છો.

સહકારી માળખાને મજબૂત કરી ખેડૂતોને આત્‍મનિર્ભર કરવાનું અભૂતપૂર્વ કામ આપની આગેવાનીમાં થયું છે જેને આખો દેશ સલામ કરે છે.

આજે નતમસ્‍તક આપનું પુણ્‍યસ્‍મરણ કરું છું ત્‍યારે મને આપના સંતાન હોવાનું ગૌરવ થાય છે.

આપ મારા માટે પિતા ઉપરાંત રાજકીય ગુરુ પણ છો.આપે મને રાજનીતિની સાથે સમાજસેવા ગળથૂથીમાં પાઈ છે.

મારામાં જે નીડરતા છે,હિંમત છે, ખેડૂતો,ગરીબો માટે અન્‍યાય સામે લડી લેવાની ભાવના છે, એ આપના પ્રેમ, આશીર્વાદ અને શિખામણની જ દેણ છે.આપનો બુલંદ અવાજ અને અન્‍યાય સામેની આપની સિંહગર્જના અમારી છાતીને ગજગજ ફૂલાવે છે.

આપનું પ્રેરણારૂપ જીવન મને સતતને સતત માર્ગદર્શન આપી રહયું છે.આપના પાવન પગલે ચાલતી વેળાએ મને સતત આપની સૂક્ષ્મ હાજરી અને દૈવી આશીર્વાદની અનુભૂતિ થયા કરે છે.બીજી રીતે કહું તો આપ અમારું તીર્થસ્‍થાન છો.

આપને યાદ કરતા જ આંખો શ્રાવણ-ભાદરવો બની જાય છે.આપની અસંખ્‍ય યાદો સ્‍મૃતિપટલ પર તાદ્રશ્‍ય થઈ જાય છે.આપ સાથે જોડાયેલી દરેક જગ્‍યાએ જતા આપની સ્‍મૃતિ મનહૃદયમાં ઊગી નીકળે છે.

સમગ્ર પંથક અને રાજયભરના આપની સાથે અંતરની લાગણીથી જોડાયેલ લોકો આજે આપને યાદ કરીને વિલાપ કરી રહ્યા છે.

અનેક રીતે અનેક લોકો આપને હૃદયાંજલિ આપી રહ્યા છે ત્‍યારે હું મારા સમગ્ર સમાજને,મારા સમગ્ર ખેડૂતોને અને જીવથી પણ વધું વહાલા મારા સમગ્ર પંથકને આપની દિવ્‍ય સૂક્ષ્મ હાજરીની સાક્ષીએ બાંહેધરી આપું છું કે હું મારી શક્‍તિ પ્રમાણે તન, મન અને ધનથી સૌની સેવા કરીશ. આપના સુકાર્યોની સુવાસ સતત પ્રસરાવતો રહીશ.

શ્રીનાથજી બાવા આપના પુણ્‍ય આત્‍માને શાશ્વત સુખ આપે એવી પ્રાર્થના સાથે આપના ચરણોમાં વંદન કરી પુષ્‍પાંજલિ અર્પણ કરતા અમારા ઉપર આપના અવિરત આશીર્વાદ બન્‍યા રહે એવી ઠાકોરજીના ચરણોમા કામના કરૂં છું.

લી.

જયેશભાઇ રાદડિયા

રાજયમંત્રી- ગુજરાત રાજ્‍ય

(11:23 am IST)