Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

અમરેલી જીલ્લામાં ૩ પોઝીટીવ કોરોના દર્દી અને ૪ શંકાસ્પદ વોર્ડમાં દાખલ દર્દીઓના મોતથી અરેરાટી

જો કે ર ના રિપોર્ટ નેગેટીવ આવ્યા અને ર નાં રિપોર્ટ હજુ બાકી

અમરેલી તા. ર૯ : અમરેલી જિલ્લામાં છેલ ર૪ કલાકમાં અમરેલીમાં સાતના મૃત્યુ થયા છે જેમાં ત્રણ કોરોનાના પોઝીટીવ આવેલા દર્દી હતા અને ચારને કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરાયા હતા જેમાં બેના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા પણ બેના રિપોર્ટ હજુ બાકી છે. આમ છેલ્લા ર૪ કલાકમાં  અમરેલીમાં કોરોનાના શંકાસ્પદ દર્દીના લીસ્ટમાં આવેલા સાત દર્દીઓના પ્રાણ યમરાજાએ હરી લીધા છે.

અમરેલી જિલ્લાના રાજુલાના ખારી ગામના જયંતીભાઇ તથા બગસરાના શાપર ગામના મધુભાઇ મેસુરીયાનું મૃત્યુ થયું હતું. જે બન્નેની અમરેલીમાં અંતિમ વિધી કરાઇ હતી જયારે અમરેલીના લાઠી રોડ ઉપર રહેતા અને સુરતથી ચાર દિવસ પહેલા આવેલ હસુભાઇ દવેનો આજે જ પોઝીટીવ રીપોર્ટ આવેલ અને આજે તેનું કોરોના પોઝીટીવ વોર્ડમાં મૃત્યુ નિપજેલ જયારે અમરેલીના ચકકરગઢ રોડ ઉપર રહેતા બીપીનભાઇ ત્રિવેદીને ગઇકાલે દાખલ કરાયા હતા અને આજે તેનો રિપોર્ટ આવે તે પહેલા જ તેમનું મૃત્યુ હતું.

આ ઉપરાંત કોરોનાના શંકાસ્પદ દર્દી ગણવાયેલ અમરેલીના મોટા ભંડારીયા ગામના ભીખાભાઇ કસવાળા અને બગસરાના માવજીંજવા ગામના જેરામભાઇ રાબડીયાનૂં પણ મૃત્યુ થતા તેમના મૃતદેહને તેના રિપોર્ટ માટે અમરેલી રાખી મુકવામાં આવ્યા છે. તથા કોરોનાના શંકાસ્પદ દર્દી જાફરાબાદના કાનજીભાઇ બાંભણીયાનૂં પણ મૃત્યુ થતા અમરેલીમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી.

આજે મૃત્યુ પામેલામાં તમામ મોટી ઉંમરના વડીલો છે અને આ મૃત્યુ અચાનક થયા હોવાનું આરોગ્ય સાથે સંકળાયેલ વર્તુળોએ જણાવ્યું હતું કોરોનાના દર્દી અને શંકાસ્પદ દર્દીઓ કે જેમની તબીયત સ્ટેબલ હોય તે અચાનક હુમલો મારે અને ગણતરીની મીનીટોમાં જ તેમનું મૃત્યુ નીપજે છે.

અમરેલીના કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે મૃત્યુ પાછળનું પહેલુ કારણ સારવારમાં મોડુ આવવાનું છે મોટી ઉંમરના વડીલો સાજા થઇ જવાશે માની જાતે દવા લઇ લે અને બે ત્રણ દિવસ સારૂ રહે ત્યાર પછી પાછા તબીયત બગડે ત્યારે હોસ્પિટલે આવે આમ આઠ દિવસનો બચવાનો જે સમય છે તે પુરો થઇ જાય અને વાયરસનું પ્રમાણ વધી ગયુંહોય ત્યારે દાખલ થાય જેનું પરિણામ મૃત્યુ હોય છે. માટે જરાપણ તકલીફ હોય તો તાત્કાલીક સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો અને સમયસર સારવાર કરાવવી હીતાવહ છે.

ગઇકાલે અમરેલી જીલ્લામાં કોરોનાના વધુ કેસ આવતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે.

કાલથી રાધિકા હોસ્પિટલ કાર્યરત

કોરોનાના દર્દીઓ માટે ઓકિસજનની પાઇપલાઇન ફીટ થતા કાલથી અમરેલી રાધીકા હોસ્પિટલમાં કોરાનાના પોઝીટીવ આવેલા દર્દીઓની સારવાર શરૂ થઇ જશે તેમ કલેકટર શ્રી આયુષ ઔકએ અવધ ટાઇમસને જણાવ્યું હતું કલેકટરશ્રી જણાવેલ કે આવનારા સમયમાં દર્દીઓની સંખ્યા વધે તો તેને વ્યવસ્થિત સારવાર મળી રહે તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.

(2:44 pm IST)