Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

કચ્છમાં કોરોનાથી વધુ એક મોત અને નવા ૧૩ કેસ સાથે કુલ કેસ 498, મોત 25

૮ દર્દીઓ સાથે અંજાર પંથકમાં કોરોનાનો કહેર જારી, બે રેવન્યુ તલાટીને કોરોના વળગતાં અંજાર મામલતદાર કચેરીમાં ફફડાટ

ભુજ : કચ્છમાં કોરોનાના પોઝિટિવ કેસ અને મોતની સંખ્યા વધતી જ જાય છે. આજે નવા ૧૩ પોઝિટિવ કેસ સાથે કુલ કેસ ૪૯૮ (પાંચસોની નજીક) પહોંચ્યા છે. જ્યારે મોતનો આંકડો પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે, આજે અંજારના કોરોનાગ્રસ્ત દર્દી ભરત વલમજી વાઢેર (ઉ.૭૬) નું મોત નીપજ્યું હતું. તેમને અન્ય બીમારીઓ હતી. સરકારી ચોપડે તેમનું મોત કોરોનાગ્રસ્ત દર્દીની યાદીમાં દર્શાવાયું છે. ગત તા/૧૪/૭ ના તાવ, ઉધરસ, કફ, શ્વાસ લેવાની તકલીફ સાથે હોસ્પિટલમાં દાખલ કરાયેલ મૃતક ભરતભાઇ વાઢેરને ડાયાબિટીસ, બીપી નો પ્રોબ્લેમ હતો તેમને બાયપેપ અને વેન્ટીલેટર પર રખાયા હતા.  આજે સવારે ૯.૨૨ વાગ્યે તેમનું મોત હાર્ટએટેક અને અન્ય તકલીફથી થયું હોવાનું જણાવાયું છે.
 જોકે, આજે ૧૩ કેસમાં ૮ કેસ સાથે મોટો વિસ્ફોટ અંજાર પંથકમાં જ થયો છે. અંજાર મામલતદાર કચેરીના બે રેવન્યુ તલાટીઓ દિલીપ ગોવીંદ કાલિયા અને ભરત ભૂરાભાઈ સોલંકીને કોરોના પોઝિટિવ આવતાં અંજાર મામલતદાર કચેરીના સ્ટાફમાં અને અરજદારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. જ્યારે ભુજના ૩ કેસમાં ઓરિસ્સાથી આવેલા આર્મી પરિવારના બે કેસ અને અગાઉ પોઝિટિવ આવેલા પોલીસ કર્મીના પડોશી મહિલાને કોરોના વળગ્યો છે. અન્ય બે દર્દીઓમાં નખત્રાણા અને ગાંધીધામમાં એક એક દર્દી નોંધાયા છે. કચ્છ જિલ્લાના આજ સુધીના કોરોનાના આંકડા,એક્ટિવ કેસ ૧૭૫, સાજા થયેલા દર્દીઓ ૨૯૮, મૃત્યુ પામનાર દર્દીઓ ૨૫ અને કુલ દર્દીઓની સંખ્યા ૪૯૮.

(9:59 pm IST)