Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

જામનગરના ફલ્લા પાસે ટ્રક બસ સ્‍ટેન્‍ડમાં ઘુસી જતા ૨ના મોત

ડ્રાઇવરે કાબુ ગુમાવતા ડિવાઇડર ઠેકીને રોંગ સાઇડમાં જતા બસ સ્‍ટેન્‍ડ પડી ગયું : બસ સ્‍ટેન્‍ડનો કાટમાળ હટાવીને ટ્રકની કેબીન તોડીને જેસીબીની : મદદથી મૃતદેહ બહાર કાઢવા પડયા

(મુકેશ વરીયા દ્વારા) ફલ્લા તા. ૨૯ : ફલ્લા ગામે આજે વહેલી સવારે ટોરસ ટ્રકે રોંગ સાઇડમાં બસ સ્‍ટેન્‍ડ સાથે અથડાતા ડ્રાઇવર સહિત બેના ઘટના સ્‍થળે મોત નિપજ્‍યા હતા.

મીઠાપુરથી માલ ભરીને હૈદરાબાદ તરફ જતા માલ ભરેલો ટોરસ ટ્રક નં. જીજે૧૨-બીટી-૯૩૩૦ આજે વહેલી સવારે ચારેક વાગ્‍યે ફલ્લાની ડેન્‍જર ગોલાઇ પાસે પહોંચતા ડ્રાઇવરે પોતાનો કાબુ ગુમાવ્‍યો હતો અને ટોરસ ટ્રક રોંગ સાઇડમાં ડીવાઇડર તોડીને બસ સ્‍ટેન્‍ડમાં ઘુસી ગયો હતો. બસ સ્‍ટેન્‍ડનો ભાંગીને ભુક્કો થઇ ગયો હતો. ટ્રકમાં ડ્રાઇવર કલીનરનો દબાઇ જવાથી ઘટના સ્‍થળે જ મૃત્‍યુ નિપજ્‍યા હતા. ટ્રકનો ભાંગીને ભુક્કો થઇ ગયો હતો. રોડ પર છ કલાક સુધી એકબાજુનો રોડ બંધ થઇ ગયો હતો.

અકસ્‍માત એટલો બધો ગંભીર હતો કે એલ એન્‍ડ ટીની ટીમ બે જેસીબી મશીન અને ગ્રામજનોએ સતત ત્રણ કલાક જહેમત ઉઠાવી બસ સ્‍ટેન્‍ડનો કાટમાળ હટાવી ટ્રકની કેબીનને તોડીને બે મૃતદેહ બહાર કાઢયા હતા જેને જામનગરની જી.જી. હોસ્‍પિટલમાં પોસ્‍ટમોર્ટમ માટે લઇ જવાયા છે. ટ્રાફિક તથા મૃતદેહને બહાર કાઢવા માટે પોલીસ સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી.

અત્રે યાદ અપાવીએ કે ફલ્લાની ડેન્‍જર ગોલાઇ પાસે અવાર-નવાર ગમખ્‍વાર અકસ્‍માત સર્જાય છે અને અકસ્‍માત જીવલેણ બને છે.

(1:37 pm IST)