Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

રાપર વકીલ હત્યા પ્રકરણમાં ૧૦ આરોપીઓ રાઉન્ડ અપ : લાશ સ્વીકારીને અંતિમ સંસ્કાર

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અંતિમયાત્રા નિકળી, મુખ્ય આરોપી ભરત રાવલ પાંચ દિવસના રિમાન્ડ પર

ભુજ તા. ૨૯ : બામસેફના કચ્છ જિલ્લાના કન્વીનર અને વકીલ દેવજીભાઇ મહેશ્વરીની હત્યા પ્રકરણમાં પોલીસે ગઈકાલ સુધી કુલ ૧૦ આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા હોવાનું અખબારી યાદી દ્વારા જણાવ્યું છે.

દરમ્યાન મુખ્ય હત્યારો ભરત રાવલ મુંબઈથી ઝડપાઈ ગયા બાદ તેને કોર્ટમાં રજુ કરાતાં તેના ૫ દિવસના રિમાન્ડ મંજુર થયા છે. ગત ૨૫/૯ ના બનેલ હત્યાના આ બનાવમાં રાપરના રાજકીય અગ્રણી પ્રવિણસિંહ અલજી સોઢા સહિત ૯ આરોપીઓ સામે મૃતકના પત્નિ મિનાક્ષિબેને પોલીસ ફરિયાદ નોધાવી હતી. જોકે, તેમણે જયાં સુધી હત્યારાઓ ન ઝડપાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.

દલિત આગેવાન દેવજીભાઈની હત્યા બાદ આરોપીઓની ધરપકડ કરવા કચ્છમાં અલગ અલગ સ્થળોએ દલિત સમાજ દ્વારા દેખાવો કરાયા હતા. દરમ્યાન ગઈકાલે પોલીસે પ્રવિણસિંહ અલજી સોઢા સહિત ૧૦ આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા હતા. જેને પગલે આજે તા/૨૯/૯ ના રોજ વકીલ દેવજીભાઈ મહેશ્વરીની લાશ સ્વીકારી તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.

 આ અંગે કચ્છ જિલ્લા દલિત અધિકાર મંચના પ્રમુખ નરેશ મહેશ્વરીએ 'અકિલા'ને આપેલી માહિતી અનુસાર આજે સવારે રાપરથી શહીદ દેવજીભાઈ મહેશ્વરીની અંતિમયાત્રા નિકળશે. જેમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત દલિત સમાજના અગ્રણીઓ સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમને અંજલિ આપશે.

તેમની દફનવિધિ નલિયા મધ્યે આવેલ ગુડથર મતિયાદેવ મથકે કરાશે. તેમની અંતિમયાત્રા રાપર, ચિત્રોડ, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, અંજાર, ભુજ થઈને નલિયા પહોંચશે. માર્ગમા આવતા વિવિધ ગામોમા દેવજીભાઈ મહેશ્વરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરાશે.

(11:34 am IST)