Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

સોરઠમાં કડાકા - ભડાકા સાથે ગિરનાર - દાતાર જંગલમાં ધોધમાર

એકથી અઢી ઇંચ વરસાદ વરસ્યો : જુનાગઢનું નરસિંહ મહેતા સરોવર બીજી વખત ઓવરફલો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૯ : આગાહી મુજબ મોડી રાત્રે જૂનાગઢ તેમજ ગિરનાર અને દાતારના જંગલમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

જૂનાગઢ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ગઇકાલે મેઘરાજાએ એક દિવસનો વિરામ રાખ્યો હતો પરંતુ મધરાતથી વાતાવરણમાં ઓચિંતો પલ્ટો આવ્યો હતો અને વીજળીના કડાકા - ભડાકા વચ્ચે વરસાદ શરૂ થયો હતો.

જૂનાગઢની સાથે ગિરનાર તથા દાતાર પર્વત અને તેના જંગલ વિસ્તારમાં પણ આગાહી મુજબ વરસાદ ખાબકયો હતો.

રાત્રીના ૧૨થી સવારના ૬ સુધી જૂનાગઢ ખાતે ૫૩ મીમી વર્ષા થતાં મોસમનો કુલ વરસાદ ૧૦૬૩ મીમી (૧૦૮.૬૯ ટકા) થયો હતો.

રાત્રીના વરસાદથી જૂનાગઢ નરસિંહ સરોવર અને દામોદર કુંડ બીજી વખત ઓવરફલો થયો હતો.

સમગ્ર જૂનાગઢ જિલ્લામાં રાત્રે વિજળીના કડાકા - ભડાકા વચ્ચે એકથી અઢી ઇંચ વરસાદ થતા લોકો ઉંઘતા જ ઝડપાય ગયા હતા.

સોરઠમાં એક દિવસના વિરામ બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં મોડી રાત્રે વીજળીના જોરદાર કડાકા ભડાકા વચ્ચે મેઘસવારી આવી પહોંચી હતી. રાત્રીના ૧૨ વાગ્યાથી તમામ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઇ હતી.

ખાસ કરીને રાત્રીના બે વાગ્યાથી જિલ્લાભરમાં મેઘતાંડવ સર્જાયું હતું અને સવારના ૬ વાગ્યા સુધીમાં જિલ્લામાં એકથી અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ ૬૦ મીમી પાણી વિસાવદર પંથકમાં વરસાદ અહીં મોસમનો કુલ વરસાદ ૧૩૮૭ મીમી (૧૨૪.૯૫ ટકા) નોંધાયો હતો.

મોડી રાત્રીથી સવારના ૬ વાગ્યા સુધીમાં કેશોદમાં ૧૪ (કુલ ૧૦૧૧ મીમી), જૂનાગઢ ૫૩ (૧૦૬૩ મીમી), ભેંસાણ ૫૯ (૬૯૬), મેંદરડા ૩૮ (૯૧૯), માંગરોળ-૨૧ (૧૨૮૩), માણાવદર-૨૧ (૧૦૫૬), માળીયા હાટીના ૪૦ (૧૧૫૯) અને વંથલી પંથકમાં ૩૫ (૧૩૮૭) મીમી મેઘમહેર થઇ હતી.

આજે પણ વરસાદી માહોલ હોય દિવસભર જૂનાગઢ જિલ્લામાં જ મેઘરાજા મુકામ કરે તેવી શકયતા જોવાઇ રહી છે.

(11:10 am IST)