Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

મોરબીના રામધન આશ્રમ ખાતે સોમવારે સ્વ. કવિ જુગતરામ વ્યાસ રચિત ‘જુગત કાવ્ય ઝરણી’ પુસ્તકનું વિમોચન.

નકલંક મંદીર-બગથળાના મહંત દામજી ભગતના હસ્તે વિમોચન કરાશે : રાત્રે લોકનાટ્ય ભવાઈનો કાર્યક્રમ.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી તાલુકાના વિરપરડા ગામનાં સ્વ. કવિ જુગતરામ મણીશંકર વ્યાસ રચિત ‘જુગત કાવ્ય ઝરણી’ નામના ૭૦૦ પાનાના પુસ્તકના વિમોચનના કાર્યક્રમનું આયોજન સોમવારે મોરબી,મહેન્દ્રનગરના રામધન આશ્રમ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં નકલંક મંદીર-બગથળાના મહંત પુ. દામજી ભગતના હસ્તે વિમોચન કરાશે.

 પુસ્તક વિમોચનનો કાર્યક્રમ હંસરાજભાઈ છગનભાઈ ગામી (બિલ્ડર્સ, ‘સ્વરાંગન’ સંગીત અને સાહિત્ય પ્રોત્સાહક) અને ડૉ. શિવધનભાઈ જુ. વ્યાસ (લેખક-કવિ) દ્વારા યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મહંત દામજી ભગત (નકલંક મંદીર-બગથળા)ના હસ્તે વિમોચન કરશે.
કાર્યક્રમ તા ૧ ને સોમવારે બપોરે ૩ વાગ્યે આયોજીત આ કાર્યક્રમમાં માનવંતા મહેમાનો પધારશે તેમજ આમંત્રિત કવિઓ તેમજ વિદ્વાન વકતાઓ તેમની પવિત્ર વાણીનો લાભ આપશે. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન સ્વ. કવિના જયેષ્ઠ પુત્ર ડો. શિવધનભાઈ (લેખક- કવિ) વ્યાસ કરશે તો સુચારુ સંચાલનની જવાબદારી સ્વ. કવિના લઘુપુત્ર અને સફળ વક્તા પુનિતભાઈ  વ્યાસ (વીરપરડા) સંભાળશે,આર્શિવચન દામજી ભગત (નકલંક મંદીર-બગથળા), મહંત ભાવેશ્વરીબહેન (રામધન આશ્રમ-મોરબી) અને જગદીશબાપુ (કથાકાર-શિવપુર) આપશે.
આ કાર્યક્રમ અંતર્ગત રાત્રે ૮ વાગ્યે રામધન આશ્રમ ખાતે ભગવતી આશ્રિત બજરંગ ભવાઈ મંડળ દ્વારા લોકભવાઈ ભજવાશે. જેમાં કવિ જુગતરામભાઈ વ્યાસની કલમે લખાયેલ અને  લોકપ્રિયતાના શિખર પર પહોંચેલ ‘રાંકનું રતન યાને વીર પોરસાવાળો નામનું નાટક ભજવાશે. જેમાં નાયક તરીકે બાબુલાલ કાનજીભાઈ વ્યાસ અને ચારણ કવિનું મુખ્ય પાત્ર ડૉ. શિવધનભાઈ જુ. વ્યાસ ભજવશે. તો લોકનાટચ પ્રેમીને પધારવા આયોજકોએ આમંત્રણ પાઠવ્યુ છે.

(10:35 pm IST)