Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

કચ્છની અનોખી પહેલ બાલિકા પંચાયત- કુનરીયા, કુકમા, મોટા અંગિયા અને મસ્કા ગામે બાલિકા પંચાયતની ધુરા દીકરીઓના હાથમાં

રસોઈની સાથે રાજકારણમાં પણ રસ લે ત્રિસ્તરીય પંચાયતી રાજકારણમાં પણ દીકરીઓ નાની ઉંમરે રસ લેતી થાય, રાજકીય ક્ષેત્રે ૫૦ ટકા મહિલા અનામતમાં ભાગીદારીનો પાયો મજબૂત કરતી બાલિકા પંચાયતો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: રસોઈની જેમ રાજકારણમાં પણ દીકરીઓનો રસ કેળવાય અને પોતાની આવડત બતાવી અનોખું કામ કરે આવા ઉમદા આશયથી શરૂ થયેલ કચ્છ જિલ્લાના ચાર ગામોમાં બાલિકા પંચાયતમાં કિશોરીઓ રાજકારણમાં કુનેહ સાથે કામગીરી બતાવી રહી છે.

  કચ્છ જિલ્લાના કુનરીયા, કુકમા, મોટા અંગિયા અને મસ્કા ગ્રામ પંચાયતોમાં ગામ કિશોરીઓએ બાલિકા પંચાયતની ધુરા પોતાના હાથમાં લઈ ગ્રામ્ય અને મહિલા વિકાસમાં પોતાની સક્રીય ભૂમિકા ભજવી રહી છે.

ત્રિસ્તરીય પંચાયતી રાજમાં ૫૦ ટકા મહિલા અનામતને વધુ અસરકારક અને સક્રિય કરવાના પ્રયાસમાં બાલિકા પંચાયત પાયાનું કામ કરશે. સૌ પ્રથમવાર રાજ્યમાં કચ્છ જિલ્લામાં પ્રારંભ કરાયેલ અને કાર્યરત બાલિકા પંચાયતની નોંધ કેન્દ્ર સરકારના પંચાયતીરાજ  મંત્રાલય અને રાજ્ય સરકાર તેમજ મુખ્યમંત્રીશ્રીએ પણ લીધી છે.

  ભુજ તાલુકાના કુનરીયા ગામે ભારતીબેન હરિભાઈ  ગરવા, કુકમા ગામે ઉર્મિલાબેન ચાડ,  નખત્રાણા તાલુકાના મોટા અંગિયા ગામે પૂજાબેન કલ્યાણજી ગરવા,  અને માંડવી  તાલુકાના મસ્કા ગામે વિધિબેન વિજયભાઈ નાકર બાલિકા પંચાયતના સરપંચ તરીકે સક્રિય કામગીરી કરી રહ્યા છે.

માંડવી તાલુકાના મસ્કા ગામે બાલિકા પંચાયતના બારમા ધોરણમાં અભ્યાસ કરતાં સરપંચ વિધિબેન વિજયભાઈ નાકર જણાવે છે, “  મારા ગામના ઘરો દીકરીઓના નામે ઓળખાય છે તે અમારા માટે ગૌરવની વાત છે. અનેક હેતુસર કામ કરતી અમારી બાલિકા પંચાયતના ૧૧ વોર્ડની ૧૧ દીકરીઓ પોતાના વોર્ડની સમસ્યા અને પ્રશ્નોનું લિસ્ટ બનાવી ગ્રામ પંચાયતમાં રજૂ કરી તેનું નિરાકરણ કરીએ છીએ જેમાં શિલ્પાબેન નાથાણી અને સરપંચ શ્રી કિર્તીભાઇ નો હંમેશા સહયોગ  રહે છે.

 મસ્કાના સરપંચશ્રી કિર્તીભાઇ ગોર કહે છે, “અમારા સાંસદ આદર્શ ગામમાં  સર્વાનુમતે વિધિબેન નાકરની બાલિકા પંચાયત સરપંચશ્રી તરીકે બિનહરીફ ચૂંટણી થઈ છે.  સરકાર અને જિલ્લા મહિલા બાળ અધિકારી અવનીબેનના પરામર્શથી અમે આ પંચાયતની શરૂઆત કરી છે. અમારી પાસે બાલિકા પંચાયતનું સ્વતંત્ર મકાન છે જેમાં દીકરીઓ પોતાની કામગીરી કરે છે.”

માંડવી-બાગ તાલુકા પંચાયતના સભ્યશ્રી શિલ્પાબેન નાથાણી જણાવે છે કે, “બેટી બચાવો બેટી પઢાવો સેલ હેઠળ કાર્ય કરતી આ પંચાયતથી દીકરીઓ રાજકારણમાં સક્રિય કામગીરી કરતી થઈ છે.”

  જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવે જણાવે છે એમ, “ બેટી બચાવો બેટી પઢાવો સેલ અંતર્ગત વિવિધ પહેલોના ભાગરૂપે સરપંચ સંગઠનના શ્રી ઈકબાલભાઈ ઘાંચી અને સુરેશભાઈ છાંગા સાથે વાતચીત દરમિયાન અમને બાલિકા પંચાયત નો વિચાર સ્ફુર્યો હતો.

 જિલ્લામાં પાંચ ગામોમાં બાલિકા પંચાયત બનાવવાનો  એક્શન પ્લાન કલેકટર શ્રી પ્રવિણાબેન ડી.કે. અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્માને રજૂ કરતાં હાલ ચાર ગામે કિશોરીઓની બાલિકા પંચાયત ચાલે છે. રાજકારણ પ્રત્યે સકારાત્મકતા વધારવા અને તેનો ડર દૂર કરવા તેમજ દીકરીઓ અને મહિલાઓનો આત્મવિશ્વાસ વધારવા આ મહત્વપૂર્ણ બન્યું છે. 

નખત્રાણા તાલુકાના મોટા અંગિયાના સરપંચશ્રી ઈકબાલભાઈ ઘાંચી કહે છે એમ,  ગામના વિકાસમાં દરેક  વર્ગ,  જાતિની ભાગીદારી નોંધાય તે જરૂરી છે.  મુખ્યધારામાં કિશોરાવસ્થાથી જ મહિલાઓ જોડાયા અને રાજકારણમાં તેમની જવાબદારી અને ભાગીદારી વધે તે બાલિકા પંચાયતનો મુખ્ય હેતુ છે. કુનરીયા ગામ સરપંચશ્રી સુરેશભાઈ છાંગાએ તેમની સાથે સહમતી દર્શાવતા જણાવ્યું છે કે,  “ ત્રિસ્તરીય પંચાયતી રાજમાં ૫૦ ટકા મહિલા અનામત મહિલાઓની ભાગીદારી સમજાવવામાં બાલિકા પંચાયત મહત્વપૂર્ણ બનશે.”  

  કુનરીયાના બાલિકા પંચાયત સરપંચ ભારતીબેન હરિભાઈ ગરવા પણ સમાજસેવા કરવા પંચાયતને ઉત્તમ માધ્યમ જણાવે છે. 

વર્ષ ૨૦૧૮ની પંચાયતી રાજ વ્યવસ્થાની મિટીંગમાં સેતુ અભિયાનના  પ્રતિનિધી જય ભાઇની ફિલીપાઇન્સની વિઝીટમાં સાગુંનીયાન કબ્બતાન વિસ્તારમાં ચાલતી યુથ કાઉન્સીલની વાતથી પ્રેરાઇને પ્રારંભ કરાયેલી બાલિકા પંચાયતનો હેતુ બાલિકા અને મહિલાઓના પ્રશ્નો અને વિકાસ કામો  મુખ્ય ગ્રામ પંચાયતમાં  આવે તેમજ લોકોમાં જાગૃતિ સાથે શિક્ષણ અને આરોગ્ય સંબંધિત પ્રવૃત્તિમાં સહયોગી થવાની છે. 

  ભારતને વધુ સક્ષમ બનાવવા રાજકારણમાં પણ  ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સરકારે આપેલા ૫૦ ટકા મહિલા અનામતને પાયાથી મજબુત કરવા પાયાની ભૂમિકા ભજવનાર બાલિકા પંચાયતની બાલિકાઓનો આત્મવિશ્વાસ અને ખંતથી પ્રશ્નો અને સમસ્યાઓનું નિરાકરણ કરવાની ધગશ કાબીલે દાદ છે. કચ્છની કન્યાઓનું ખમીર તેમની બાલિકા ગ્રામપંચાયતોમાં ઝળકતું જોઈ શકાય છે.

(9:38 am IST)