Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

હળવદમાં હડકાયા કૂતરાનો આંતક : ૨૩ લોકોને બચકાં ભર્યા

(દીપક જાની દ્વારા) હળવદ તા. ૨૯ : શહેરમાં દિવાળીના તહેવાર પૂર્વે જ હડકાયા કૂતરાએ આંતક મચાવી ૨૩ લોકોને બચકાં ભરી લેતા શહેરમાં હોહા દેકારો બોલી ગયો છે. બીજી તરફ સુવિધા વગરની હળવદ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી ન હોય ઇજાગ્રસ્ત લોકોને સારવાર ઇન્જેકશન માટે મોરબી તેમજ સુરેન્દ્રનગર દોડવું પડ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ આજે હળવદ શહેરના ધ્રાંગધ્રા દરવાજા વિસ્તારમાં હડકાયા કૂતરાએ રીતસરનો આંતક મચાવી એક પછી એક ૨૩ લોકોને બચકાં ભરી લેતા આ વિસ્તારમાં ભયનું લખલખું પ્રસરી જવાની સાથે નાસભાગ મચી જવા પામી હતી.

બીજી તરફ માંદગીના બિછાને પડેલી હળવદ સરકારી હોસ્પિટલમાં દશેરે જ ઘોડું ન દોડે ઉકિત મુજબ હડકવા વિરોધી રસીનો સ્ટોક જ ઉપલબ્ધ ન હોય મોટા પ્રમાણમાં સારવાર માટે હોસ્પિટલ આવેલા લોકોને સગવડતા મુજબ મોરબી અને સુરેન્દ્રનગર તરફ દોટ મુકવી પડી હતી.

(10:10 am IST)