Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

પૂર્વ કચ્છમાં ખનિજ માફીયાઓ સામે પોલીસનો સપાટો : એક સામટા ૨૨ ડમ્પરો સાથે ૧૦૦૦ ટન ચાઇના કલેનો જથ્થો જપ્ત

ખાણ ખનિજ વિભાગનું કામ પોલીસ કરી રહી છે : ત્રણ દિ'માં સતત બીજો સપાટો : લાખો રૂ.ની રોયલ્ટીની ચોરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૯ : સરકારની લાખો રૂપિયાની ખનિજ રોયલ્ટીની ચોરી કરનારા ખનિજ માફીયાઓ સામે પૂર્વ કચ્છ પોલીસે સતત કાર્યવાહી ચાલુ રાખીને બીજી વાર સપાટો બોલાવ્યો છે.ઙ્ગ હજી રવિવારે જ પૂર્વ કચ્છ એલસીબીએ ૧૮૨ ટન ચાઈનાકલે ભરીને જતા ૧૧ ડમ્પરો ઝડપી લીધા હતા. હવે ત્રણ દિવસમાં ફરી સપાટો બોલાવીને પૂર્વ કચ્છ એલસીબીએ ૨૧ ડમ્પરોને ૪૭૫ ટન ચાઈનાકલે સાથે ઝડપી ખાણ ખનિજ કચેરીની આબરૂનું ચિર હરણ કરી દીધું છે.ઙ્ગ

બોર્ડર રેન્જ આઈજી અને પૂર્વ કચ્છ પોલીસવડાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઇ હતી. એલસીબીના પીઆઈ કે.એન. સોલંકીની ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હતી એ દરમ્યાન આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારના પલાંસવા ગામની સીમમાંથી રોયલ્ટી વગર ચાઈનાકલે માટી ભરેલા ૧૦ ડમ્પરોને ર૮૫.૮૬૦ ટન ચાઈનાકલે સાથે ઝડપી લેવાયા છે. તો લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારના જૂના કટારીયા ત્રણ રસ્તા પાસેથી ૯ ઓવરલોડ ડમ્પરમાંથી રોયલ્ટી વગરની ૧૯૦ ટન માટી કબજે કરવામાં આવી છે, જયારે સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારના માળિયા હાઈવે અજન્તા કંપની પાછળ આવેલા સર્વે નંબર ૮૯૧ પૈકી ૧માં ગેરકાયદે રીતે માટીનું ખનન કરવામાં આવતું હતું, જેથી આ સ્થળેથી માટી ખનન કરતા હીટાચી અને બે ડમ્પરોને ઝડપી લેવાયા હતા.

કુલ ૪૭૫.૮૬૦ ટન ચાઈનાકલે માટીનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ સંદર્ભે અંજાર ખાણ ખનિજ વિભાગને જાણ કરવામાં આવી છે. વાગડમાં એલસીબીના ત્રણ દિવસમાં બીજા સપાટાએ ખનિજ ચોરોમાં ફફડાટ મચાવ્યો છે.

(10:48 am IST)