Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

મહાહસ્તીઓનું મહામિલનઃ મહામહિમ મહાકથાકારના મહેમાન

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાવનગર જિલ્લાના પ્રવાસેઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાયાઃ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું રામનાથ કોવિંદના હસ્તે લોકાર્પણ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૨૯ :. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગઈકાલથી ૩ દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે અનોખો અને અભૂતપૂર્વ સંયોગ સર્જાયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી મહાકથાકાર પૂ. મોરારીબાપુના આંગણે તલગાજરડા ખાતે પધાર્યા છે.

આજે સવારે રાજભવનથી રાષ્ટ્રપતિ ભાવનગર જવા રવાના થયા હતા. ભાવનગરથી હેલીકોપ્ટર મારફત રામનાથ કોવિંદ મહુવા તાલુકાના તલગાજરડા ખાતે પૂ. મોરારીબાપુની મુલાકાત કરી હતી.

આજે બપોરે ૧૧.૪૫ વાગ્યે રામનાથ કોવિંદનું તલગાજરડા ખાતે આગમન થયુ હતુ. ત્યાર બાદ બપોરે ૧૨ થી ૧ દરમિયાન ચિત્રકુટધામ ખાતે પૂ. મોરારીબાપુ સાથે ધાર્મિક ચર્ચા-વિચારણા કરી હતી. ત્યાર બાદ ગુરૂકુળમાં ભોજન લીધુ હતુ અને બપોરે ૩ વાગ્યે ભાવનગર જવા રવાના થયા હતા. રાષ્ટ્રપતિ અને પૂ. મોરારીબાપુ ૩ કલાક સાથે રહ્યા હતા.

આજે શુક્રવારે તલગાજરડા ખાતે પૂ. મોરારીબાપુ સાથે ૩ કલાક રોકાણ કર્યા બાદ બપોરે સાડા ત્રણ વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાવનગર ખાતે ૧૦૮૮ જેટલા ઈડબલ્યુએસપીએમ આવાસ યોજનાનું લોકાર્પણ કરશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાત્રીરોકાણ ભાવનગર ખાતે કરશે અને તા. ૩૦ને શનિવારે ભાવનગરથી દિલ્હી જવા રવાના થશે.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ૨૪૫૮ ઈ.ડબલ્યુ.એસ.-૧ 'પ્રધાનમંત્રી આવાસ યોજના' અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટેના આવાસો લાભાર્થીઓને ફાળવવા માટેના કોમ્પ્યુટરાઈઝ ડ્રો તથા સદરહુ કામનું ખાતમુહુર્ત મુખ્યમંત્રીના હસ્તે તા. ૭-૬-૨૦૧૭ના રોજ કરવામાં આવેલ છે. આ યોજનામાં જુદા જુદા નવ સ્થળો પર આવાસોના બાંધકામ કરવામાં આવેલ. અગાઉ આ યોજના પૈકીના છ સ્થળો પર કુલ ૮૦૪ આવાસોના લોકાર્પણ કરી લાભાર્થીઓને આવાસોના કબ્જા ફાળવણી કરવામાં આવેલ છે. ટી.પી. સ્કીમ નં. ૮-રૂવા, ફાઈનલ પ્લોટ નં. ૨૮, હમીરજી પાર્ક સામે, સુભાષનગર, ભાવનગર ખાતે કુલ ૧૦૮૮ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવેલ છે.

આ આવાસોના લાભાર્થીઓને કોવીડ-૧૯ની પરિસ્થિતિ ધ્યાનમાં લઈ સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ લોકાર્પણ સમારોહ અન્વયે ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી ભાવનગર મુકામે પધારનાર છે. તેઓની સાથે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી-મંત્રી (પ્રાથમિક-માધ્યમિક-પ્રૌઢ) ઉચ્ચત્તર અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક, કીર્તિબાળા દાણીધારીયા મેયર, ડો. ભારતીબેન શિયાળ, સંસદ સભ્ય વિભાવરીબેન દવે ધારાસભ્ય (પૂર્વ)ની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ રહેશે તથા અન્ય મહાનુભાવો પણ જોડાશે. આ કાર્યક્રમમાં સૌ પ્રથમ ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી દ્વારા રીબીન કાપી તકતીનું અનાવરણ કરાશે.

ત્યાર બાદ ભાવનગર મહાનગરપાલિકામાં તથા સમગ્ર ગુજરાત રાજ્યમાં થયેલ આવાસોની કામગીરીનું પ્રેઝન્ટેશન અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવશે. જેના અંતે પાંચ પ્રતિકારાત્મક લાભાર્થીઓને આવાસોની ચાવી સુપ્રત કરવામાં આવશે. મહાનુભાવોનું સ્વાગત રંગારંગ કાર્યક્રમથી થશે.

(3:39 pm IST)