Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

ઉપલેટામાં પોલીસને પે-ગ્રેડ આપવાના મુદ્દે આવેદનઃ પાંચ આગેવાનોની ધરપકડ

(કૃષ્‍ણકાંત એચ ચોટાઈ દ્વારા) ઉપલેટા તા.૨૯: રાજયમાં ચાલતા પોલીસના પગાર વધારાના પે-ગ્રેડ આંદોલનને સમર્થન આપવા અને પોલીસનો પગાર વધારવાની માંગણી સાથેનું આવેદન પત્ર ઉપલેટા સામ્‍યવાદી પક્ષના વીનુભાઈ ધેરવડા, દીનેશભાઈ કંટેસરીયા, કેશુભાઈ સીન્નોજીયા, દેવેનભાઈ વસોયા, અને સાજીદભાઈ રાઠોડએ મામલતદારને આપેલ હતું.આ આગેવાનો પોતાના ઘરે અને કેટલાક આગેવાનો દુકાને બેઠા હતા ત્‍યાં પોલીસ પહોંચી હતી અને તેઓને ત્‍યાંથી ઉપાડી પોલીસ સ્‍ટેશને લઈ ગયેલ હતા.અને ત્‍યાં આઈ.પી.સી. કલમ ૧૧૪,૧૯૨૨ નું પોલીસ એકટ,અને ડીજાસ્‍ટર એકટની કલમો નીચે તેઓનો ગુન્‍હો દાખલ કરવામાં આવેલ હતો.
આ અંગે સામ્‍યવાદી પક્ષના આગેવાન વીનુભાઈ ધેરવડા અને દીનુભાઈ કંટારીયા એ જણાવેલ હતુ કે દેશના બીજા રાજયો કરતા ગુજરાતના પોલીસ જવાનોના પગાર ઓછા છે. જેમને કારણે ડીપાર્ટમેન્‍ટમાં ભ્રષ્ટાચાર થાય છે. જો પુરો પગાર મળે તો ભ્રષ્ટાચાર ઓછો થાય એ આશાએથી પોલીસમાં પે-ગ્રેડ સુધારવાની માંગણી સાથે આવેદન પત્ર આપેલું હતું. પરંતુ રાજયના ઉચ્‍ચ પોલીસ અધિકારીઓએ આ આવેદન પત્ર ને પોલીસને ઉશ્‍કેરણી કરી હોવાનું ગણી ધરપકડ કરી ગુન્‍હો દાખલ કરી મોડેથી જામીન ઉપર છોડેલ હતા. આમ ઉપલેટા સામ્‍યવાદી માસવાદી પક્ષના કાર્યકરો ઉપર ધરમ કરતા ધાડ પડી હોય તેમ તેઓ પોલીસના સપોર્ટમા આવેદન આપવા જતા હતા. ખુદ પોલીસે જ તેમની ધરપકડ કરી હતી.

 

(10:49 am IST)