Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

ખૂબ સારા કાર્યો કરવા છે, સંતોના આશીર્વાદ એ જ અમારા અહોભાગ્ય : ભૂપેન્દ્ર પટેલ

કુંડળધામની મુલાકાતે મુખ્યમંત્રી : જ્ઞાનજીવનદાસજી સ્વામીના હસ્તે મુખ્યમંત્રી રાહતનીધિમાં રૂપિયા પાંચ લાખ અર્પણ

બોટાદ જિલ્લામાં બરવાળા પાસે આવેલ કુંડળધામ સ્વામિનારાયણ મંદિરની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને મુલાકાત લેતા સંસ્થાના વડા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ તેમને આવકારેલ. આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનુભાઇ મોરડિયા, ધારાસભ્ય આત્મારામ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તીર્થ કુંડળધામની શુભેચ્છા મુલાકાત લીધી હતી. કુંડળધામના પ્રણેતા શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ તેમના પ્રવચનમાં પ્રજાની સુખાકારી માટે કામ કરવાનો કોલ આપી જણાવ્યું હતું કે, ખૂબ સારા કાર્યો કરી અમારી ટીમ ગુજરાતમાં આગળ વધવા માંગે છે. તેમાં જ્ઞાનજીવનદાસજી સ્વામી જેવા સંતોના આશીર્વાદ મળી રહ્યા છે તે અમારા અહોભાગ્ય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના કોલને સાર્થક કરવા ગુજરાતને પણ આત્મનિર્ભર બનાવી નરેન્દ્રભાઈ સાથે ખભેખભો મિલાવી કામ કરીશું.

મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રજાને જંતુનાશક દવા અને યુરિયાના ઝેરથી બચાવવા અનુરોધ કર્યો હતો અને કુંડળધામદ્ઘારા કરવામાં આવતા પ્રાકૃતિક ખેતીના કાર્યને બિરદાવી પ્રસન્નતા વ્યકત કરી હતી.આ પ્રસંગે શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ મુખ્યમંત્રી અને તેમની ટીમને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે સારા કાર્યો જોઈને અમ સૌ સંતોના દિલમાં ખુબ રાજીપો થાય છે. ભુપેન્દ્રભાઈ અને તેમની ટીમને સંગઠને નિમ્યા છે અને જે વિશ્વાસ મૂકયો છે તેમાં કાંકરી જેટલી પણ ઉણપ ના આવે તેવી હજારો સંતો ભકતો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને આપના દ્વારા થતા સારા કાર્યોથી લોકો તમને વર્ષો સુધી યાદ કરે તેવી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે.

કુંડળધામની શુભેચ્છા મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ સૌપ્રથમ નિજ મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનાં દર્શન કર્યા હતા ત્યારબાદ તેમણે ભગવાન સ્વામિનારાયણ દ્વારા પધરાવેલા કુંડલેશ્વર મહાદેવની દૂધ-જળથી અભિષેક દ્વારા પૂજા કરી હતી ત્યાર પછી ઐતિહાસિક દરબારગઢની મુલાકાત લીધી હતી.આ પ્રસંગે વડતાલ ટેમ્પલબોર્ડના ચેરમેન શ્રી દેવપ્રકાશ સ્વામી તથા નાર ગોકુલધામના પ્રણેતા શ્રી શુકદેવસ્વરૂપ સ્વામી તથા શહેરી વિકાસ મંત્રી શ્રી વિનુભાઈ મોરડિયા, ધારાસભ્ય શ્રી આત્મારામભાઈ પરમાર, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભીખુભાઈ વાઘેલા, બોટાદ જીલ્લા કલેકટરશ્રી, તુષાર સુમેરા બોટાદ જીલ્લા એસ.પી. હર્ષદ મહેતા સહિત અન્ય મહાનુભાવો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ શ્રી અલૌકિક સ્વામી જણાવે છે.

(11:48 am IST)