Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

રણજીત કુંવરીયા ઉપર કાર ચડાવી દઇ મોતને ઘાટ ઉતારનાર બે ભાઇઓની શોધખોળ

માળીયા મિંયાણાના વેણાસર ગામે માચ્છીમારી કરી જમવા ગયેલ મિત્રો વચ્ચે ડખ્ખો થતા એકની લોથ ઢળીઃ મૃતક રણજીતના ભાઇ પ્રકાશને પણ ઇજા

તસ્વીરમાં હત્યામાં વપરાયેલ કાર નજરે પડે છે.(તસ્વીરઃ પ્રવિણ વ્યાસ, મોરબી)

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૯ : માળીયા મિંયાણાના વેણાસર ગામે માછીમારી કરી જમવા ગયેલ મિત્રો વચ્ચે ડખ્ખો થતા કાર ચડાવી દઇ યુવાનને મોતને ઘાટ ઉતારનાર બે ભાઇઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના વેણાંસર ગામે રહેતા અશોકભાઈ જીલુભાઈ કુંવરિયા,તેના કાકાનો દીકરો રણજીત મહિપતભાઈ કુંવરિયા, તેના ગામના પ્રકાશ કાનાભાઈ લોલાડીયા અને સુનીલ લાભુભાઈ કોરડીયા એ બધા ગઈકાલે ભેગા મળીને ધોડાધ્રોઈ નદીના કાંઠે માછીમારી કરીને જમવાનો પ્રોગામ કરેલ હોય અને નદીના કાઠે ગયેલા હતા દરમિયાન બપોરના એકાદ વાગ્યાના અરસામાં જમવાનું તૈયાર થઇ જતા અશોકભાઈ કુંવરિયા, રણજીત કુંવરિયા, પ્રકાશ લોલાડીયા અને સુનીલ કોરડીયા એમ બધા જમવા બેસતા હતા અને મચ્છી ભાત વધારે બનેલ હોય જેથી સુનીલ કોરડીયાએ તેના ભાઈ સંદીપને ફોન કરીને બોલાવેલ બાદમાં તમામ સંદીપ આવી જતા બધા સાથે જમવા બેઠા હોય અને સંદીપને મચ્છી ભાત પીરસતા તેને વધારે માગતા અશોકભાઈએ કહેલ કે મહેનત અમોએ કરેલ છે તો તું શાંતિથી જમી લે તેમ કહેતા સુનીલ ગાળો આપવા લાગેલ જેથી રણજીતે સુનીલને ગાળો આપવાની નાં પાડતા સુનીલે કહેલ કે મારા ભાઈને જમવાનું કેમ નથી આપતા મેં પણ મહેનત કરી છે તેમ કરી ફરી ગાળો બોલવા કાગતા ઝધડો થયો હતો અને બાદમાં અશોક કુંવરિયા, રણજીત કુંવરિયા અને પ્રકાશ લોલડીયા એ ત્રણ ઉભા હોય દરમિયાન આરોપી સુનીલ તથા સંદીપ તેની ગાડી જીજે ૧૭ એન ૪૪૯૫ વાળી લઈને રણજીતભાઈ તથા પ્રકાશભાઈ પર ચડાવી દીધેલ જેમાં પ્રકાશને ઈજા થઇ હતી તો રણજીત ગાડી નીચે આવી જતા તેને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે બનાવ અંગે અશોકભાઈ જીલુભાઈ કુંવરિયાએ આરોપી સુનીલ લાભુભાઈ કોરડીયા અને સંદીપ લાભુભાઈ કોરડીયા સામે હત્યાનો ફરિયાદ નોંધાવી છે તો માળિયા પોલીસે હત્યા સહિતની કલમ મુજબ ગુન્હો નોંધી  હત્યા કરનાર બન્ને ભાઇઓની શોધખોળ હાથ ધરી છે વધુ તપાસ પીએસઆઇ નરેન્દ્રસિંહ ચુડાસમા ચલાવી રહ્યા છે.

(11:51 am IST)