Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

પોરબંદર સહિત રાજ્યમાં વિદ્યાર્થીઓની હોસ્ટેલ અંગે સરકારની વિચિત્ર નીતિ સામે રામદેવભાઈ મોઢવાડિયાનો રોષ

પોરબંદર, તા. ૨૯ :. પોરબંદર સહિત રાજ્યની ખાનગી હોસ્ટેલો ચાલુ અને અનેક સરકારી હોસ્ટેલ બંધ છે. આવી સરકારી વિચિત્ર નીતિથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં હોય હોસ્ટેલો શરૂ કરવા માટે સરકાર કાર્યવાહી કરે તેવી માગણી કરીને સરકારમાં રજૂઆત કરી છે.

કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડીયાને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, રાજ્યમાં જ્યારે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હતું ત્યારે સરકારે તમામ ખાનગી અને સરકારી હોસ્ટેલ વિદ્યાર્થીઓના હિતમાં બંધ કરવાનો નિર્ણય લીધો હતો. એ નિર્ણય આવકારદાયક હતો, પરંતુ કોરોનાની બીજી લહેરમાં અસંખ્ય માનવ જીંદગીઓ હોમાઈ ગયા બાદ મોડી મોડી જાગેલી સરકારે શૈક્ષણિક સંકુલ બંધ કરવાનો હુકમ કર્યો હતો. જેમાં પોરબંદર સહિત રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળા કોલેજો અને હોસ્ટેલો બંધ કરવાની ફરજ પડી હતી ત્યાર બાદ છેલ્લા કેટલાક મહિનાઓથી લોકજાગૃતિને કારણે કોરોના કાબુમાં છે તેથી શૈક્ષણિક સંકુલ પુનઃ ધમધમ્યા છે, પરંતુ તેમા સરકારની બેધારનીતિનો ભોગ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ બન્યા છે. સરકારની અણધણ નીતિને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયુ છે કે, અમુક ખાનગી હોસ્ટેલને નવા શૈક્ષણિક સત્રથી શરતોને આધીન શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ સરકારી હોસ્ટેલ હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. તેથી રાજ્યના હજારો વિદ્યાર્થીઓનંુ ભણતર બગડી રહ્યુ છે.

કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડીયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે જો ખાનગી હોસ્ટેલોને શરૂ કરવા માટે સરકાર છૂટ આપે છે તો સરકાર તેની ખુદની હોસ્ટેલ શરૂ કરવા માટે કેમ ગંભીર બનતી નથી ? કારણ કે રાજ્યના લાખો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ સરકારી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હતા તેથી તેના ભાવિ સાથે ચેડા થઈ રહ્યા હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યુ છે.

રાજ્યના લાખો વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માટે થઈને શહેરી વિસ્તારોમાં રૂમ ભાડે રાખ્યા છે અને દર મહિને રહેવા જમવા માટે હજારો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે. મહત્વની બાબત તો એ છે કે, વર્ષોથી હોસ્ટેલમાં રહીને ભણતી તરૂણીઓ અને કોલેજીયન વિદ્યાર્થીનીઓને પણ આ રીતે રૂમ ભાડે રાખીને રહેવુ પડે છે તેથી ત્યાં તેની સલામતી સામે પણ જોખમ ઉભુ થયુ છે. કોંગ્રેસ દ્વારા નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવીને રામદેવભાઈ મોઢવાડીયાએ રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્યના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, માટે આ બાબતને સરકાર ગંભીરતાથી લે તથા સરકારી હોસ્ટેલને પણ તાત્કાલીક શરૂ કરવાની મંજુરી આપે તે જરૂરી બની ગયું છે.

(12:42 pm IST)